રાજકોટમાં બહુ ટૂંકા ગાળાની અંદર લૂંટનો પ્રયાસ અને લૂંટની ઘટના આકાર લઈ જવા પામતાં ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ બન્ને ઘટનાઓમાં પરપ્રાંતના લોકો જ સામેલ હોવાનું ખુલ્યા બાદ પોલીસ દ્વારા ઘણા સમય પહેલાંથી જ પરપ્રાંતીયોને નોકરી પર રાખ્યા બાદ તેની નોંધણી ફરજિયાત કરાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હોવા છતાં તેનું પાલન ન થઈ રહ્યું હોવાથી હવે આક્રમક વલણ અખત્યાર કરીને ગુના નોંધવાનું શરૂ કરવામાં આવ્યું છે.
બે દિવસ પહેલાં જ યુનિ.રોડ પરના રોયલ પાર્કના ‘માતોશ્રી’ બંગલોમાં નેપાળી પરિવારે 35 લાખની લૂંટને અંજામ આપ્યાની ઘટના બન્યા બાદ પોલીસે પરપ્રાંતમાંથી આવીને શહેરમાં નોકરી કરતાં લોકોની નોંધણી કરાવવાની કાર્યવાહી શરૂ કરતાં રોયલ પાર્કના પાંચ સહિત 70 લોકો એવા સામે આવ્યા હતા જેમણે નોંધણી જ કરાવી નહોતી એટલા માટે પોલીસે તમામ સામે ગુના નોંધતાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ઝોન-2 વિસ્તારમાં આવતાં એ-ડિવિઝન પોલીસ મથક, માલવિયાનગર પોલીસ મથક, તાલુકા પોલીસ મથક, યુનિવર્સિટી પોલીસ મથક, ગાંધીગ્રામ પોલીસ મથક અને પ્ર.નગર પોલીસ મથક દ્વારા તેમના વિસ્તારમાં આવતાં કારખાના, મકાનો, દુકાનો, બંગલા, ટેક્સટાઈલ ઉદ્યોગ, હિરા ઉદ્યોગ સહિતનાને ત્યાં ચેકિંગ કરતાં 70 લોકો એવા મળ્યા હતા કે જેમણે પરપ્રાંતમાંથી તેમને ત્યાં ઘરઘાટી, નોકર, ડ્રાઈવર, રસોયા, વોચમેન, માળી, કારીગરો, મજૂરો કે જેઓ પરપ્રાંતમાંથી આવ્યા હોવા છતાં તેમનું રજિસ્ટ્રેશન કરાવ્યું નહોતું. આ લાપરવાહી ધ્યાન પર આવતાં જ પોલીસે તમામ 70 સામે ગુના નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે