ભરૂચ જિલ્લામાંથી રો-મટિરીયલની હેરાફેરી કરતાં કન્ટેનરોની સંખ્યા દૈનિક 300થી ઘટી 90 થઇ
ચીનમાં કોરોના વાયરસે ફરીથી મચાવેલા હાહાકાર તેમજ યુરોપ સહિતના દેશોમાં ક્રિસમસના વેકેશનના પગલે ભરૂચ જિલ્લાના ઉદ્યોગો ફરી ભીંસમાં મુકાયાં છે. રોજના 300 કન્ટેનર ભરીને માલની આયાત- નિકાસ થતી હતી તે ઘટીને માંડ 90 કન્ટેનર જેટલી થઇ છે.
ચીનમાં કોરોના વેરિયટે મચાવેલાં હાહાકાર અને વિદેશમાં ક્રિસમસ વેકેશનની અસર ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. આગામી 05 જાન્યુઆરી સુધી માલની આયાત- નિકાસ ઓછી રહેશે. ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાંથી રોજના 300 થી વધુ કન્ટેનર વિદેશોમાં જાય છે જેની સામે હવે માંડ 90 થી 100 કન્ટેનર જઇ રહયાં છે. ક્રિસમસ વેકેશન બાદ હવે વિદેશી કંપનીઓ માલ સ્વીકારશે. જેના કારણે ભરૂચ જિલ્લામાં આયાત- નિકાસ 60 ટકા ઘટી છે જયારે 30 ટકા ઉત્પાદન ઘટયું છે.
અંકલેશ્વર,પાનોલી ઝગડીયા સહિત જિલ્લામાં આવેલી તમામ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગો વિશ્વ બજારમાં અને કંપની સાથે એક્ષ્પોર્ટ-ઈમ્પોર્ટ કરી રહી છે. 24મી ડિસેમ્બરના રોજ ક્રિસમસ અને 31 ડિસેમ્બર ન્યુયરને લઈ ક્રિસમસ વેકેશનની શરૂઆત થઇ છે. જેને લઇ આગામી 5 જાન્યુઆરી સુધી વિદેશોમાં ક્રિસમસની ઉજવણી ચાલનાર હોવાથી બજારો સુસ્ત રહેશે. ક્રિસમસના 20 દિવસનું વેકેશન 10 હજાર કરોડની આયાત-નિકાસ રોકશે તેવી સંભાવના છે.