30 લાખના ફલેટની કિમંત 42 થી 45 લાખ સુધી પહોંચી જતાં મધ્યમ વર્ગ માટે ફલેટ કે મકાન ખરીદવું સ્વપ્ન સમાન બનશે
જંત્રીના રિવ્યુ માટે કલેકટરે આજે સોમવારે બોલાવેલી બેઠક પહેલાં જ દરો વધારી દેવાતાં બિલ્ડર લોબી અચંબામાં
રાજય સરકારે જંત્રીની કિમંતો બમણી કરી નાખતા ભરૂચ જિલ્લાના 5 હજાર કરોડ રૂપિયાના રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેની વિપરિત અસરો જોવા મળશે. બિલ્ડરોના જણાવ્યાં મુજબ જંત્રીની સાથે સ્ટેમ્પ ડયુટી, એફએસઆઇ અને જીએસટી પણ વધી જતાં 30 લાખના ફલેટની કિમંત 42 થી 45 લાખ રૂપિયા સુધી જઇ શકે છે.

ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહેલાં ભરૂચ જિલ્લામાં નોકરીયાત વર્ગની સંખ્યા વધી રહી હોવાથી સૌને પરવડી રહે તેવા એફોર્ડેબલ મકાનોના બાંધકામ વધી રહયાં છે. ક્રેડાઇના ભરૂચ જિલ્લાના પ્રમુખ રોહિત ચદ્દરવાલાના જણાવ્યા અનુસાર ભરૂચ શહેર તથા જિલ્લામાં સામાન્ય અને મધ્યમવર્ગને આર્થિક રીતે પરવડી રહે તેવા મકાનો અને ફલેટના અંદાજે 5 હજાર કરોડ રૂપિયાના પ્રોજેકટ ચાલી રહયાં છે. રાજય સરકારે રાતો રાત જંત્રી બમણી કરી દેતાં ગ્રાહકો અને બિલ્ડરો બંને મુશ્કેલીમાં મુકાય ગયાં છે. જે મકાનો અને ફલેટના પઝેશન નથી અપાયાં તેવા કિસ્સાઓમાં સ્થિતિ વિસ્ફોટક બની શકે છે.

સરકારની નવી જંત્રી પ્રમાણે 30 લાખ રૂપિયાની કિમંતના ફલેટની કિમંત 42 થી 45 લાખ રૂપિયા થઇ જશે જેથી હવે નવા મકાન અને ફલેટ ખરીદવાનું સામાન્ય અને મધ્યમ વર્ગ માટે મુશ્કેલ બની જશે. હાલના જે પ્રોજેકટ ચાલી રહયાં છે તેના પર અસર તો થશે પણ હવે બિલ્ડરો નવા પ્રોજેકટ મુકતાં પણ ખચકાશે. તો બીજી તરફ ખેડુત આગેવાન રણજીત ડાભીએ જણાવ્યું હતું કે, રાજય સરકારે જંત્રીના ભાવ ડબલ કરી દીધાં છે તેનો ફાયદો હાલ ખેડૂતોને થશે નહિ. 2023 પછી થનારા જમીન સંપાદનમાં ખેડૂતોને લાભ મળશે.
5,000 કરોડ રૂપિયાના પ્રોજેકટનું કામ ચાલુ 30 લાખ રૂપિયા મકાન- ફલેટની ન્યુનતમ કિમંત 50 હજારથી વધારે દર વર્ષે થતાં દસ્તાવેજો 3,500 કરોડથી વધારે સરકારને થતી આવક
દર વર્ષે જંત્રીમાં વધારો કરવો જોઇતો હતો
જંત્રી લાગુ કરવામાં આવી ત્યારથી જ ભરૂચનો મોટા શહેરોની કેટેગરીમાં સમાવેશ કરી દેવાયો હતો પણ ભરૂચનો વિકાસ એટલો નથી એટલે પહેલેથી જ જંત્રીના દર વધારે હતાં હવે તેમાં વધારો કરાતાં વિકાસને અસર પડશે અને સરકારે ટુકડે ટુકડે દર વધારવા જોઇતાં હતાં. ઇર્શાદ ગૌડ, એકસપર્ટ
ગ્રાહકો અને બિલ્ડર્સ વચ્ચે ઘર્ષણ વધશે
ભરૂચ શહેરમાં એફોર્ડેબલ મકાનો ખરીદવા માટેના અનેક સોદાઓ થયાં છે. જેમના દસ્તાવેજો બાકી છે તે હવે નવી જંત્રી પ્રમાણે કરવાના રહેશે જેથી ગ્રાહકો અને બિલ્ડરો વચ્ચે ઘર્ષણ થવાની શકયતા છે. મકાનો મોંઘા બનતાં વિકાસ રૂંધાશે. પંકજ હરિયાણી, પ્રમુખ, બિલ્ડર એસોસીએશન
ભરૂચમાં ગત વર્ષે 1 હજારથી વધારે નવા મકાનો બન્યાં
ભરૂચ જિલ્લામાં કોરોના કાળ બાદ રીયલ એસ્ટેટના ક્ષેત્રમાં તેજીનો તોખાર જોવા મળ્યો હતો અને ક્રેડાઇના જણાવ્યા અનુસાર ગત વર્ષે જ વિવિધ પ્રોજેકટમાં એક હજાર કરતાં વધારે નવા મકાનો અને ફલેટ બન્યાં છે.
ખરીદનારના માથે ભારણ વધશે
સરકારે રાતોરાત જંત્રીના ભાવ ડબલ કરી દીધાં છે જેના કારણે સ્ટેમ્પ ડયુટી અને જીએસટી પણ ડબલ થઇ જશે. જેનાથી મકાનોના ખરીદનારાના માથે આર્થિક ભારણ વધશે. લોનના દર પણ વધારી દેવાયા હોવાથી લોકોને હવે મકાન ખરીદતા પહેલા વિચારવું પડશે.. પિયુષ શાહ, બિલ્ડર, ભરૂચ
નવા પ્રોજેકટ વાળા વિસ્તારો
તવરા રોડ, ચાવજ રોડ, દહેજ બાયપાસ રોડ, દહેજ રોડ, અંકલેશ્વર શહેર, કોસમડી રોડ, દિવા રોડ, ઉમરાજ રોડ