
અમદાવાદ,તા.15 માર્ચ 2023,બુધવાર
સત્તર દીવસમાં બે પુત્રોને ગૂમાવી દેનાર વૃધ્ધના શબ્દો સાંભળી પોલીસ કર્મચારીઓની આંખમાં આસૂં આવી ગયા હતા. સાબરમતીમાં મૃત ભાઈનું બેસણું કરવા માટે પૈસા ના હોવાથી ૨૨ વર્ષના યુવકે આપઘાત કરી લીધાની કાળજૂં કપાવી દેતી ઘટના ઐયાશી કરવા રૂપિયા ઉડાડતા લોકો માટે લપડાક સમાન છે. આમ, આર્થિક સંકડામણ અનુભવતા પરિવારે એક સાથે બીજા પુત્રને પણ ખોવાનો વારો આવ્યો હતો.
મોટાભાઈનું બેસણું કરવા પૈસા માટે પાંચ દીવસથી ફરતા યુવકને પૈસા મળ્યા ન હતા
બનાવની વિગત મુજબ ચાંદલોડીયાના ન્યુ રાણીપ રોડ પર સત્તાધાર વિ-૨માં રહેતાં નિરજ વિદ્યાસાગર વિશ્વકર્મા (ઉં,૨૨)એ ગત તા.૨જી માર્ચના રોજ કાળીગામ તળાવ પાસે એસીડ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. નિરજને ગંભીર હાલતમાં સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. સારવાર દરમિયાન નિરજનું ગત તા.૧૩મીના રોજ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. બનાવ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક નિરજના પિતા વિદ્યાસાગર વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, તેઓના મોટા પુત્ર સૂરજનું ગત તા.૨૫મી ફ્રેબ્યુઆરીના રોજ અવસાન થયું હતું. મૃતક સૂરજના સામાજીક રીતે બેસણું કરવા માટે પૈસાની જરૂરીયાત હોવાથી નાનો ભાઈ નિરજ છેલ્લા પાંચ દીવસથી વ્યવસ્થા માટે ફરતો હતો. જૂદા જૂદા સ્થળે ફર્યા બાદ ભાઈનું બેસણું કરવા પૈસાની વ્યવસ્થા ના થતાં નિરજે આ પગલું ભર્યું હતું.