Satya Tv News

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ કોઠારિયા રોડ પર સાગર સોસાયટીમાં આવેલી યોગેશ્વર ડેરી ફાર્મમાં દરોડો પાડ્યો હતો અને તેના કોલ્ડ રૂમમાં જતાં જ અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ હતી કારણ કે, ત્યાં ફૂગ ચડેલી મીઠાઈનો મોટો જથ્થો પડ્યો હતો. જેથી તમામ જથ્થો બહાર કાઢતા પતરાંના ડબ્બામાંથી 150 કિલો વાસી શિખંડ મળ્યો હતો જ્યારે મીઠાઈ બનાવવા માટે વપરાતો 200 કિલો વાસી માવો પણ મળ્યો હતો. આ ઉપરાત વધુ તપાસ કરતા અલગ અલગ પ્લાસ્ટિકની થેલીઓ અને ચોકીઓમાં રાખેલી 300 કિલો મીઠાઈ મળી હતી જેમાં ફૂગ ચડી ગઈ હતી.

પેઢીના માલિક દીપક વોરાને પૂછવામાં આવતા આ તમામ મીઠાઈઓ ઓર્ડરમાંથી પરત આવેલી છે. એટલે કે કોઇ પ્રસંગનો ઓર્ડર મળ્યો હોય અને તેમાંથી જે મીઠાઈ વધે તે પરત આવેલી છે જેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી હતી. પેઢીના માલિકે એવો બચાવ કર્યો હતો કે, તેઓ આ તમામનો નાશ કરવાના હતા પણ સમય મળતો ન હતો! ડેરીમાં ગંદકી પુષ્કળ જોવા મળી હતી.

જેથી સૌથી પહેલા આ તમામ વાસી મીઠાઈના 650 કિલો જેટલા જંગી જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન ત્યાં વેચાતા કેસર શિખંડ અને મેંગો બરફીના નમૂના લેવાયા હતા. બિનઆરોગ્યપ્રદ સ્થિતિ બદલ નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

દરોડા દરમિયાન આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણી સ્થળ પર હાજર હતા અને તેઓએ સ્થિતિ વિશે જણાવ્યું હતું કે, કોલ્ડ સ્ટોરેજમાં ફૂગ ચડેલી મીઠાઈઓના ઢગલા પડ્યા હતા. ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યુ છે તેમજ આમા પણ શંકા નિવારી ન શકાય કે આવી વાસી મીઠાઈને ફરીથી ભેગી કરી ગરમ કરી ફરીથી વેચી દેવાય છે.

​​​​​​​આવી મીઠાઈઓ લોકો સુધી પહોંચે એટલે ફૂગને કારણે ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. આમ પણ અવારનવાર બહાર આવે છે કે કોઇ લગ્ન પ્રસંગ હોય ત્યાં આવેલા મહેમાનોને ફૂડ પોઈઝનિંગને કારણે એકસાથે ઝાડા-ઊલટી થતા હોય છે તેમાં આવી જ ભેળસેળ અને હલકી ગુણવત્તાની વાનગી પીરસાઈ હોય ત્યારે આવું બને છે.

મનપાએ જે 650 કિલો મીઠાઈ જપ્ત કરી તે જોઈને જ ઉબકા આવે તેવી હતી. આથી ટિપરવાનમાં ભરીને જ્યાં કચરો નાખવામાં આવે છે ત્યાં ઠલવી દેવામાં આવી હતી. એક અધિકારીએ કહ્યું હતું કે, પશુ પણ ન ખાય તેવી આ મીઠાઈ હતી.

આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, દૂધ અને દૂધની બનાવટનું આયુષ્ય બનાવટ મુજબ 7થી 14 દિવસ જેટલું હોય છે જોકે તેના માટે યોગ્ય જાળવણી કરવી પડે છે. મીઠાઈનો કોઇ પણ ઓર્ડર મળે એટલે તાજી બનાવીને જ ઉત્પાદકે આપવી જોઈએ જેથી કોઇ સમસ્યા ન રહે. જો સાચવવાની જરૂર પડે તો કોલ્ડ સ્ટોરેજમાં 2થી 8 ડિગ્રી તાપમાન વચ્ચે મીઠાઈ રાખવાથી 14 દિવસ સુધી સાચવી શકાય છે. જોકે તેના પર સ્ટોર કર્યાની તારીખ અને યુઝ બાય ડેટ લખવી જોઇએ. આ ઉપરાંત મીઠાઈને ફ્રીઝ કરી શકાતી નથી. ઉત્પાદકો કોલ્ડ સ્ટોરેજમાં યોગ્ય તાપમાન જાળવે નહિ એટલે એક જ દિવસમાં મીઠાઈને ફૂગ લાગી શકે છે.

લગ્ન પ્રસંગના ઓર્ડરમાંથી પરત આવેલી મીઠાઈઓ એકઠી કરી કોલ્ડસ્ટોરેજમાં રખાય છે અને કોઇ તહેવાર નજીક આવે ત્યારે આ તમામ વાસી મીઠાઇઓ ભેગી કરી તેને ગરમ કરીને તેમાં ખાંડ નાખી મીઠાસ વધારી દેવાઈ છે. અલગ અલગ પ્રકારની મીઠાઈ ભેગી કરી હોવાથી તેમાં રંગ જળવાતો નથી એટલે તેમાં લાલ અથવા તો મરૂન રંગ નાખી ઘાટો રંગ કરીને ફળ ફૂલના રૂપકડા નામ આપીને વેચી દેવાય છે.

error: