Satya Tv News

સુરતના અલથાણ ગામમાં પાંચ વર્ષની બાળકી પર બે શ્વાન તૂટી પડ્યા હતા અને થાપાના ભાગે કરડી લીધું હતું. જેથી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનના હુમલાઓમાં વધારો થયો છે. ત્યારે છેલ્લા 40 દિવસમાં જ શ્વાનના હુમલામાં બે બાળકોના મોત થયા છે.


સુરતના અલથાણ ગામમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. ઘર નજીક જ રમતી પાંચ વર્ષની બાળકી મહેક રાઠોડ પર બે શ્વાનોએ હુમલો કર્યો હતો. જેમાં બાળકીના થાપાના ભારે કરડી ખાધું હતું. જોકે, આસપાસથી લોકો ગોડી આવ્યા બાદ બાળકીને શ્વાનના ચુંગલમાંથી બચાવવામાં સફળતા મળી હતી. ત્યરબાદ તાત્કાલિક બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

મહેકની માતા આરતીબેન રાઠોડે જણાવ્યું હતું કે, મહેક ઘર નજીક રમતી હતી ત્યારે કૂતરાએ પાછળથી આવીને કરડી ખાધું હતું. સ્થાનિક લોકોએ મહેકને શ્વાનોથી બચાવી હતી અને હોસ્પિટલ લઈ ગયા હતા. આ વિસ્તારમાં 10થી વધુ શ્વાનો છે. પાલિકા શ્વાનોને પકડી જાય છે પણ હજુ પણ ત્રણ શ્વાનો અહીં ફરી રહ્યા છે.

સુરતમાં બાળકો પર શ્વાનના હુમલામાં વધારો નોંધાયો છે. છાસવારે બાળકોને શ્વાન કરડવાના બનાવો સામે આવી રહ્યા છે. આવા બનાવો બાદ લોકોમાં શ્વાનનો ભય વધી રહ્યો છે પાલિકા તંત્ર શ્વાનનો ત્રાસ દુર કરવા માટે કોઈ પ્રયાસ કરતા નથી તેવું કહીને લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. શ્વાન જે રીતે ઘાતકી હુમલો કરી રહ્યાં છે તે જોતાં લોકોનો રોષ વધી રહ્યો છે.

અગાઉ ખજોદ વિસ્તારમાં એક બાળકીનું શ્વાને બચકા ભરતા સિવિલ હોસ્પિટલમાં બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમજ અગાઉ વરાછા અને વેડ દરવાજા વિસ્તારમાં પણ શ્વાનોએ બાળકોને બચકાં ભર્યા હોવાની ઘટના સામે આવી ચુકી છે. ત્યારે વધુ એક ઘટના ભેસ્તાન વિસ્તારમાંથી સામે આવી હતી. પાંચ વર્ષના બાળક સોહીલ પર પાંચથી સાત શ્વાનોએ હુમલો કરતા બાળકનું મોત નીપજ્યું હતું.

છેલ્લા 40 દિવસમાં બે બાળકોના મોત શ્વાન કરડવાને કારણે થયા છે. સુરત મહાનગરપાલિકાની રખડતા શ્વાન માટે કરવામાં આવતી કામગીરીને લઈ પ્રશ્નો ઉઠી રહ્યા છે. તંત્ર દ્બારા રસીકરણ અને ખસીકરણની કામગીરી પાછળ લાખો રૂપિયા ખર્ચીને યોગ્ય કામગીરી કરાતી હોવાના બણગા ફુંકવામાં આવી રહ્યા છે. ત્યારે આ ઘટનાએ તંત્રની કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી છે અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરી દીધા છે.

error: