ટીવીમાં ચમત્કારી તાંત્રિક જયોતિષીની જાહેરાત જોઈ તેના ચક્કરમાં ફસાઈ પોતાની માનસિક અશાંતિ દૂર કરવા ગયેલી એક મહિલાને રૂ. 2.73 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસમાં આ અંગે પોતાને ચમત્કારી તાંત્રિક જયોતિષ બાબા ગણાવતા ઈશ્વર રાધાવલ્લભ જોષી વિરૂધ્ધ વિશ્વાસઘાત, છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટના કોઠારીયા રોડ પરની મહાત્માગાંધી સોસાયટી શેરી નં. 1માં રહેતી ભાવનાબેન કનુભાઈ વાઘેલા (ઉ.વ.41)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેને સંતાનમાં બે પુત્રો છે. પતિ ડ્રાઈવિંગ કામ કરે છે. ચાર પાંચ વર્ષ પહેલા તેનું એકસીડન્ટ થતાં માથામાં ઈજા થવા પામી હતી. ત્યારથી દર વર્ષે વધુ પડતી ગરમી અને વધુ પડતી ઠંડી પડવાની તેને માનસિક અશાંતિ રહેતી હતી. અને આ તકલીફ છેલ્લા 10 મહિનાથી વધી ગઈ હતી.
ગત વર્ષે નવેમ્બર મહિનામાં ઘરે ટીવી જોતી હતી ત્યારે એક ગુજરાતી ચેનલ ઉપર ચમત્કારી તાંત્રિક જયોતિષીની જાહેરાત જોઈ હતી. જેમાં જણાવેલા મોબાઈલ નંબર ઉપર પરિવારજનોને જાણ કર્યા વગર કોલ કરતાં સામેથી પોતાને ચમત્કારી તાંત્રિકબાબા ગણાવનારે પોતાનું નામ ઈશ્વર જોશી આપ્યું હતું.
જેને પોતાની સમસ્યાઓ વર્ણવી કે મને ખૂબજ બેચેની રહે છે, અમારા ધંધા ચાલતા નથી, ઘરમાં સુખ શાંતિ રહેતી નથી. જે વાત સાંભળી ઈશ્વર જોષીએ કહ્યું કે હું તમારી બધી મુશ્કેલીઓ દૂર કરી દઈશ. જે માટે હું વીધી ચાલુ કરીશ. તમારે પ્રથમ રૂ. 2501 આપવા પડશે. જેથી તેણે ઓનલાઈન આ રકમ મોકલી ત્યારબાદ અવારનવાર તેને કોલ કરી જુદી જુદી વીધી કરી રહ્યાનું કહી કટકેકટકે રૂ. 2.73 લાખ પડાવ્યા હતા. જે રકમ તેની અંગત બચતની હતી.
એટલું જ નહીં દાગીનાઓ ગીરવે મુકી ગોલ્ડ લોન લઈ તે રકમ પણ ચુકવી દીધી હતી. આમ છતાં માનસિક બેચેની કે ધંધામાં કોઈ ફાયદો નહીં થતાં અવારનવાર ઈશ્વર જોષીનો સંપર્ક કરતા હતા. આખરે તેણે કહ્યું કે હવે છેલ્લી વીધી બાકી છે જેના તમારે રૂ.35000 આપવા પડશે. જેથી તમારું બધુ કામ પુરુ થઈ જશે. પરંતુ હવે રૂપિયા બચ્યા ન હોવાથી આપ્યા ન હતા. આખરે પોતાને છેતરાઈ ગયાનો અહેસાસ થયો હતો. જેથી ઈશ્વર જોષી પાસેથી તેનું સરનામું માંગતા આપ્યું ન હતું. માત્ર એટલું કહ્યું કે તમે ભરૂચ રેલ્વે સ્ટેશને આવી મને કોલ કરો એટલે મારો માણસ તમને લઈ જશે. આ પછી તેના કોલ ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. જેથી પરિવારજનોને વિગતો જણાવ્યા બાદ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ઓળખ મેળવી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.