ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે રાજકોટ- જામનગર હાઈવે નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ચાર લોકોના મોત નિપજ્યા હતાં. જ્યારે અથડાયેલી કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતને પગલે ઘટના સ્થળે ભારે ટ્રાફિક જામ થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ-જામનગર હાઇવે નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. કારચાલકના મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. કારચાલક હિમાંશુ પરમાર, કારમાં ચાલકની બાજુની સીટમાં બેઠેલા અજય જોષી, કારમાં પાછળની સીટમાં બેઠેલા અજય પરમારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રેક્ટરચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા પડધરી પોલીસની ટીમ ઘટના પહોંચી હતી અને તમામ મૃતદેહને પડધરી ખાતે પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી અને મૃતકોના પરિવારને જાણ કરી છે.