Satya Tv News

રાજકોટ શહેરમાં કોઈને કોઈ કારણોસર વારંવાર વિવાદોમાં રહેતી સિટી બસ સેવા આજે ફરી એકવખત વિવાદમાં આવી છે. જેમાં સવારના સમયે પુરપાટ ઝડપે દોડતી સિટી બસનાં ડ્રાઈવરની બેદરકારીથી ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાને સામાન્ય ઇજા થતાં 108 દ્વારા સારવારમાં ખસેડાયા છે.ડ્રાઈવરની બેદરકારી સામે આવતા તેને સસ્પેન્ડ કરી નોટિસ ફટકારવામાં આવી હોવાનું સિટી બસ સેવાનાં જનરલ મેનેજરે જણાવ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ આજે સવારે 18 નંબરના રૂટ પર ચાલતી સિટી બસ નંબર-3 મેટોડા જીઆઇડીસી પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે કિશાન ગેટ પાસેનાં સ્ટોપ પાસે બસનાં ડ્રાઈવરે સમયસર બ્રેક નહીં લગાવતા બસ બેકાબૂ થઈ હતી. જેને પગલે સિટી બસ ધડાકાભેર કાર સાથે અને કાર અન્ય રીક્ષા સાથે અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ બનાવને પગલે સ્થાનિકો લોકોના ટોળેટોળા એકઠા થતા ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. સિટી બસે સર્જેલા આ અકસ્માતને લઈને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.

આ અંગે સિટીબસ સેવાના જનરલ મેનેજર જયેશભાઇ કુકડીયાએ જણાવ્યું હતું કે, સવારે 10:20 કલાકે 18 નંબરના રૂટ પર ચાલતી સિટી બસ નંબર-3 મેટોડાનાં ગેટ નંબર 3 પાસે સ્ટોપ હોવાથી ઉભી રાખવાની હતી. પરંતુ ડ્રાઈવરે સમયસર બ્રેક નહીં મારતા બસ આગળ ઉભેલી કાર સાથે અથડાઈ હતી. અને ત્યારબાદ આ કાર રીક્ષા સાથે અથડાઈ હતી.જેમાં એક મહિલાને સામાન્ય ઇજા થતાં 108 દ્વારા સારવારમાં ખસેડાયા છે.સમગ્ર ઘટનામાં ડ્રાઈવરની બેદરકારી જવાબદાર હોવાથી ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવશે અને એજન્સીને નોટિસ ફટકારવામાં આવશે. આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે તમામ ડ્રાઇવરોને તાકીદ કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

error: