Satya Tv News

સુરતમાં લગ્નની આગલી રાત્રે પિતરાઈ ભાઈ બહેન પર યમબનીને ત્રાટક્યો, હલદી સેરેમની દરમિયાન પિતરાઈ ભાઈએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી બહેનની કરી નાખી હત્યા

  • સુરતમાં ફરી ખેલાયો ખૂની ખેલ
  • પિતરાઈ ભાઈએ બહેનને ઉતારી મોતને ઘાટ
  • હલદીની વિધિમાં બહેન પર ભાઈએ કર્યો હુમલો
  • બહેને પ્રેમ લગ્ન કરતા કરાઇ હત્યા  

રાજ્યમાં  સરાજાહેર હત્યાના બનાવો વધી રહ્યા છે. એક પણ દિવસ એવો હોતો નથી કે કોઇ હત્યાનો બનાવ ન બન્યો હોય. અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઇ ડર હોય તેવું લાગી રહ્યું છે. ક્યારેક અંગત અદાવતમાં તો ક્યારેક પૈસાની લેતી દેતીમાં અને હવે તો પ્રેમ પ્રકરણમાં પણ હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે સુરતમાંથી ફરી એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં લગ્નના એક દિવસ પહેલા બહેનની પિતરાઈ ભાઈએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી રામેશ્વર સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર મહાજનને કલ્યાણી પાટીલ નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. જે બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ માટે બંનેએ પોત-પોતાના પરિવારને આ વિશે જણાવ્યું હતું. જોકે, યુવતીના પરિવારજનો આ  માટે રાજી થયા નહોતા. જેથી જીતેન્દ્ર અને કલ્યાણીએ થોડા મહિના પહેલા ભાગીને કોર્ટ મેરેજ કરી લીધા હતા. 

જે બાદ યુવકના પરિવારજનોએ બંનેના વિધિવત લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જેથી પરિવારજનોએ 26 જૂનના રોજ બંનેના લગ્ન નક્કી કર્યા હતા. તેની આગલી રાત્રે સોમવારે જીતેન્દ્ર અને કલ્યાણીની હલદીની વિધિ ચાલી રહી હતી, પરિવારમાં ખુશીનો માહોલ હતો. લગ્ન ગીતો વાગી રહ્યા હતા. આ દરમિયાન યુવતીનો પિતરાઈ ભાઈ મોનુ પાટીલ ત્યાં આવી પહોંચ્યો હતો. 

દુલ્હા-દુલ્હનની હલદીની વિધિ ચાલી રહી હતી. ત્યારે મોનુએ આવીને બહેન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાદ યુવકના પરિવારજનોએ મોનુને પકડી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી. જે બાદ લિંબાયત પોલીસની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી હતી અને યુવકની ધરપકડ કરી લીધી હતી. આમ પરિવારની વિરુદ્ધમાં જઈને લગ્ન કરનાર યુવતીને પિતરાઈ ભાઈએ મોતને ઘાટ ઉતારી દીધી. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

error: