લોકોના ઘણા બધા કામ ઓનલાઈન થઈ રહ્યા છે, પરંતુ તેના સાથે સાયબર ક્રાઈમના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છેતરપિંડી કરનારા લોકો અલગ-અલગ પદ્ધતિઓથી લોકો સાથે ફ્રોડ કરી રહી છે. આજે આપણે જાણીશું કે ક્રેડિટ કાર્ડ દ્વારા કેવી રીતે છેતરપિંડી કરવામાં આવે છે.
દુનિયા હવે ડિજિટલ થઈ રહી છે અને લોકોના ઘણા બધા કામ ઓનલાઈન થઈ રહ્યા છે, પરંતુ તેના સાથે સાયબર ક્રાઈમના (Cyber Crime) કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છેતરપિંડી કરનારા લોકો અલગ-અલગ પદ્ધતિઓથી લોકો સાથે ફ્રોડ કરી રહી છે. આજે આપણે જાણીશું કે ક્રેડિટ કાર્ડ દ્વારા કેવી રીતે છેતરપિંડી (Credit Card Fraud) કરવામાં આવે છે. લોકો પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે.
ક્રેડિટ કાર્ડ પર રૂપિયાની લિમિટ વધારવાના નામે ફ્રોડ કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. આવા ફ્રોડ કેસના કેટલાક ઉદાહરણ જોઈએ. એક વ્યક્તિના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. તેમણે કહ્યું કે તે બેંકમાંથી બોલી રહ્યો છે અને બેંક દ્વારા તેની ક્રેડિટ કાર્ડ લિમિટ વધારવામાં આવી રહી છે.
ત્યારબાદ આરોપીએ પીડિતાના મોબાઈલમાં એપ ડાઉનલોડ કરાવી અને તેને ફોન પર જ ક્રેડિટ કાર્ડ સંબંધિત તમામ માહિતી પૂછતો રહ્યો. છેલ્લે OTP આવ્યો અને તેના દ્વારા આરોપીએ પીડિતાના ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયાની ચોરી કરી હતી. બીજા એક કિસ્સામાં SBI ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાનો ફોન આવ્યો. આરોપી દ્વારા કાર્ડની તમામ વિગતો પૂછવામાં આવી અને છેલ્લે OTP માંગ્યો. ઓટીપી આપતાની સાથે જ એક ટ્રાન્સેકશન થયું અને ખાતામાંથી 12,234 રૂપિયા કપાઈ ગયા હતા.
એક વ્યક્તિને આરોપીઓએ ક્રેડિટ કાર્ડની મર્યાદા 1 લાખથી વધારીને 1.50 લાખ કરવાના બહાને બે વખત OTP માંગીને ખાતામાંથી રૂ. 35681 અને 54031 ઉપાડી લીધા હતા. આરોપીઓએ બંને બેંકોની ક્રેડિટ કાર્ડ લિમિટ વધારવાના નામે પીડિતા સાથે 101946 રૂપિયાની છેતરપિંડી કરી હતી.
અન્ય એક કિસ્સામાં એક મહિલાને નવું ક્રેડિટ કાર્ડ મળ્યું હતું. ત્યારબાદ પીડિતાને તેના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતે કંપનીનો અધિકારી તરીકે ઓળખ આપી હતી. તેમણે મહિલાને કહ્યું કે તેના ક્રેડિટ કાર્ડ પર વીમા પોલિસીની સુવિધા સક્રિય છે, તો તેને ચાલુ રાખવી છે કે બંધ કરવી છે.
મહિલાએ હા પાડતા ફ્રોડ કરનારાએ પ્રોસેસ કરાવી અને આરોપીએ મહિલાને કહ્યુ કે, તેના રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે, તે જણાવવો પડશે. થોડા સમયમાં મોબાઈલ પર OTP આવ્યો અને તે આપતા જ ક્રેડિટ કાર્ડમાંથી 99, 267 રૂપિયા કપાઈ ગયા.
આ બાબતોનું રાખો ધ્યાન
- અજાણ્યા વ્યક્તિનો ફોન કે મેસેજ આવે તો કોઈપણ પ્રકારની માહિતી આપવી નહીં.
- મેસેજમાં કોઈ લિંક આપવામાં આવી હોય તો તેના પર ક્લિક કરશો નહીં.
- ક્રેડિટ કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ, CVV, જન્મ તારીખ કે OTP કોઈની સાથે શેર કરશો નહીં.
- ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા માટે જે તે બેંકની ઓફિશિયલ એપ કે વેબસાઈટનો જ ઉપયોગ કરો.
- ક્રેડિટ કાર્ડ છેતરપિંડી કાર્ડ ક્લોનિંગ અથવા કાર્ડ ડેટા ચોરીને કારણે થાય છે.
- શંકાસ્પદ લાગે તે દરેક જગ્યાએ કાર્ડ સ્વેપ કરવાનું ટાળો.
- બેંકની એપ પર જઈને દરેક ટ્રાન્ઝેક્શન માટે લિમિટ સેટ કરો.
- ખાતામાંથી છેતરપિંડી અને પૈસા ઉપાડવાના કિસ્સામાં તરત જ 1930 પર કોલ કરો.
- કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.