આજે 19 ઓગસ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસ
તસ્વીરકારો પરત્વે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ
૧૯ ઓગસ્ટ ૧૮૩૯માં ફોટોગ્રાફીની કરી હતી જાહેરાત
દૈનિક ઘટનાક્રમોને સદાય માટે દસ્તાવેજી પુરાવા તરીકે કંડારવાનુ માધ્યમ એટલે ફોટોગ્રાફ.૧૯ ઓગસ્ટને ‘વર્લ્ડ ફોટોગ્રાફી ડે’ મનાવવામાં આવે છે.આ એવા સમુદાય પરત્વે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે.
વિશ્વ છાયાંકન દિવસ એટલે કે વર્લ્ડ ફોટોગ્રાફી ડે જેઓએ ખાસ ક્ષણોને તસવીરોમાં કેદ કરીને તેમને હંમેશા હંમેશા માટે યાદગાર બનાવી દીધી છે, તેવા તસ્વીરકારોને પ્રોત્સાહિત કરવા મનાવવામાં આવે છે.વર્તમાન સમયે ડિજિટલ મોબાઈલના યુગમાં પ્રત્યેક વ્યક્તિ પાસે હાથવગો કેમેરો છે ,અને તેઓ તેમના જીવનની ખાસ પળોને રોજેરોજ તસ્વીરમાં કેદ કરતા આવ્યા છે.
વિશ્વમાં ઘણા બધા લોકો એવા છે, જેઓ ફોટોગ્રાફીના શોખીન છે, અને તેમણે ફોટોગ્રાફીને જ પોતાનુ કરિયર બનાવી લીધુ છે,આ વર્ગના લોકો માટે અને વિશ્વભરના ફોટોગ્રાફરોને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે.જોકે હવે તો વિશ્વનો પ્રત્યેક નાગરિક એક રીતે જોવા જઈએ તો ફોટોગ્રાફર બની ગયો છે,ત્યારે આ દિવસ વિશેષ બની જાય છે.ફ્રાન્સના લુઈસ અને જોસેફ નામના મિત્રોએ ૧૯ ઓગસ્ટ ૧૮૩૯માં પ્રથમ વાર ફોટોગ્રાફી પ્રક્રિયાના અવિષ્કારની જાહેરાત કરી અને પછી પેટેંટ પણ મેળવી હતી.આ દિવસને યાદ કરતા વિશ્વ છાયાંકન દિવસ પણ ઉજવાય છે.
વ્યવસાયિક ફોટોગ્રાફી માટેના કેમેરા તો મોંઘાદાટ હોય છે જોકે હવે તો મોબાઈલમાં ડિજિટલ કેમેરા હાથવગા થઇ ગયા છે, પરિણામે લોકોમાં ફોટોગ્રાફી પરત્વે રુચિ પણ વધી છે.પ્રાસંગિક ફોટોગ્રાફી ઉપરાંત વાઈલ્ડ લાઈફ, હેરિટેજ ફોટોગ્રાફીની ઘેલછા પણ વિશેષ પણે વધવા પામી છે. તો સેલ્ફીનો ક્રેઝ તો ગાંડપણ સુધી વિસ્તર્યો છે.એક સમય હતો ,જ્યારે લોકો પાસે કેમેરો ન હતો.ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં લોકો ફોટો પડાવવા માટે કેટલાય કિલોમીટર દૂર ફોટો સ્ટુડિયોમાં જતા હતા.હાથવગા મોબાઈલ કેમેરા છતાંય હજુ ય ફોટો સ્ટુડિયોમાં ફોટો પડાવવાની લાલશા ઘટી નથી.વર્તમાનપત્રોમાં ઘટનાક્રમના પુરાવા સમાન તસ્વીરોનુ પણ ખાસ મહત્વ અકબંધ રહ્યુ છે.
ફોટોગ્રાફી સાહજિક રીતે સરળ છે ,પરંતુ મૂળભૂત રીતે તે ગહન તાલીમનો વિષય છે. ફોટોગ્રાફી માટે દ્રષ્ટિકોણ ઉપરાંત કાબેલિયત કેળવવી જરૂરી બની જાય છે, અને ત્યારેજ શ્રેષ્ઠ કે અદભુત તસ્વીરને જીવંત અને ચિરંજીવ બનાવે છે.જ્યારે કેમરા ખૂબ ઓછા લોકોના હાથમાં હતો, ત્યારે માત્ર ખાસ પળ જ કેપ્ચર કરવા માટે ઉપયોગ થતા હતા.પણ હવે ખુબ પરિવર્તન આવી ગયુ છે. લોકો પળોના આનંદ ઓછુ લે છે, તેનાથી વધારે ફોટો કેપ્ચર કરે છે ,એમ કહેવુ ખોટુ નહી હશે કે કેમરાની જગ્યા મોબાઈલે લઈ લીધી છે.
ખેર, એક સમયે ડાર્ક રૂમમાં ફોટો ડેવલોપ થતા અને હવે કોમ્પ્યુટર સોફ્ટવેર થકી આકારીત થતા ફોટોગ્રાફે માનવ જીવનમાં પોતાનુ સ્થાન કાયમી બનાવી લીધુ છે, તેમાં કોઈ જ બેમત નથી.આ વિશેષ દિવસ એટલે જ વિશ્વભરના સિધ્ધહસ્ત તસ્વીરકારો પરત્વે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ બની રહે છે.
અંકલેશ્વર માં ઉદ્યોગગૃહ ચલાવતા સત્યેન પટેલ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીના માધ્યમ થકી ટાયગર સંવર્ધન અભિયાનમાં જોડાયા છે. તેમની તસ્વીરોમાં વાઘની અનેક લાક્ષણિતતા અદભુત રીતે જોવા મળે છે. તો મુળ અંકલેશ્વરના અંબરીશ ભટ્ટ પક્ષી જગત અને ગીર ફોરેસ્ટના અભિયાન સાથે જોડાયેલા છે તેમની તસ્વીરો માં ફોટોગ્રાફીની તમામ ખૂબીઓ વણાયેલી જોવા મળી જાય છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર