વડોદરાના કારેલીબાગમાં રહેતા અને વડાપાંઉની લારી ચલાવતા 26 વર્ષીય અજય જાદવ નામના યુવકને ગઈકાલે રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા અજયને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ અંગેની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. 26 વર્ષીય યુવકનું અકાળે અવસાન થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
રાજકોટમાં ડેન્ગ્યુના કારણે વિદ્યાર્થીનું અવસાન થયું છે. આર.કે યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરતા રપ્પુકુમાર નામના વિદ્યાર્થીને ડેન્ગ્યુ થઈ ગયો હતો. જે બાદ વિદ્યાર્થીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું.
વિદ્યાર્થીઓએ કોલેજ અને હોસ્પિટલના સંચાલક પર ગંભીર આક્ષેપો કર્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, હોસ્ટેલમાં ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ રપ્પુકુમાર નામના વિદ્યાર્થીને ડેન્ગ્યુ થયો હોવા છતાં રજા ન આપી હોવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ જણાવ્યું કે, રપ્પુકુમાર બીમાર હોવા છતાં યુનિવર્સિટી મેનેજમેન્ટે હાજરી ઓછી હોવાના લીધે મેડિકલ લીવ ના આપી.