ઉત્રાણમાં મનીષા ગરનાળા વિસ્તારમાં પાટીદાર ચોક પાસે ઓપેરા સિટી એપાર્ટમેન્ટમાં એડવોકેટ વિશાલ ઘનશ્યામભાઇ નાવડીયા તેમના પરિવાર સાથે રહે છે. વકીલ તરીકે સ્થાનિક કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વિશાલ નાવડીયા પાસે GJ 05 JS 0842 નંબરની કાર છે. આ કાર માટે તેમણે એચડીએફસી બેંકનું ફાસ્ટ ટેગ લગાવેલું છે. તાજેતરમાં વિશાલભાઇની કાર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક હતી તેમ છતાં સાંજે છ વાગ્યાની આસપાસ તેમના મોબાઇલ પર ટોલ ક્રોસિંગનો મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં ગમરોજ સોહના રોડ ટોલ પ્લાઝા પરથી આ કાર પસાર થઇ હોવાથી ટોલ ટેક્સ પેટે 60 રૂપિયા કપાયાનો ઉલ્લેખ હતો. આ મેસેજ વાંચી નાવડીયા ચોંકી ઉઠ્યા હતા.
વિશાલ ઘનશ્યામભાઇ નાવડીયા બેંકને ફરિયાદ કરવાનું વિચારી રહ્યા હતા તે દરમિયાન વધુ એક મેસેજ પણ આવ્યો હતો.આ મેસેજમાં રકમ બમણી કપાઈ હતી. આ વખતે ટોલટેક્સ પેટે 120 રૂપિયા કાપવામાં આવ્યાનો ઉલ્લેખ હતો. એક જ ટોલ બુથ પર પોણા પાંચ વાગ્યે 120 રૂપિયા અને સવા છ વાગ્યે 60 રૂપિયા એમ બે વખત ટોલ કપાયાનું એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરાતાં જાણવા મળ્યું હતું.ઘનશ્યામભાઇ નાવડીયાએ તાત્કાલીક ધોરણે સાઈબર ક્રાઈમ તથા એચ.ડી.એફ.સી. ફાસ્ટ ટેગ વિભાગમાં ફરિયાદ કરી હતી.