
અંકલેશ્વરમાં આવેલી મામલતદાર ઓફીસના પાછળના ભાગે આગ ભભૂકી ઉઠતાં અધિકારીઓ સહિત કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આગની જાણ અંકલેશ્વરના ફાયર બ્રિગેડને કરાતા ટીમે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગમાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહત અનુભવી હતી.

અંકલેશ્વરમાં આવેલી મામલતદાર ઓફીસ રાબેતા મુજબ શરૂ થઈ હતી. ત્યારે કચેરીના પાછળના ભાગે આવેલી ટ્રેઝરી ઓફીસ નજીક રેકર્ડ્સ રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગના કાળા ભમ્મર ધૂમાડા દેખાતા કચેરીમાં રહેલા અધિકારીઓ અને કર્મચારીઓમાં નાસભાગના દૃશ્યો સર્જાયા હતા. આગની જાણ અંકલેશ્વર પાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. લાશ્કરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગમાં કોઈ જાનહાનિ કે નુકસાની નહિ થતા અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.