અંકલેશ્વરમાં ચિપ્સની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ.
હોળી-ધૂળેટી પર્વમાં પાર્ટી અર્થે લઇ જવાતો વિદેશી દારૂ ઝડપાયો.
LCB પોલીસે રૂ. 16.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
પોલીસે 2 ઝડપી પાડી વધુ 2 ને જાહેર કર્યા વોન્ટેડ.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નં. 48 પરથી આઇસર ટેમ્પોમાં ચિપ્સની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચ LCB પોલીસે 2 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આગામી હોળી-ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખી દારૂની રેલમ છેલમ અટકાવવા માટે ભરુચ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ભરુચ LCB પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નં. 48 પર આવેલ ચૌધરી પેલેસ હોટલના પાર્કિંગમાં રહેલા મીની આઇસર ટેમ્પોમાં તપાસ હાથ ધરી હતી.
જ્યાં ડાયમંડ કંપનીની ચિપ્સની આડમાં આઇસર ટેમ્પોમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જોકે, પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની કડક પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો હરિયાણાથી સુરત તરફ લઈ જવાતો હોવાની કબૂલાત આપી હતી. સમગ્ર મામલે ભરૂચ LCB પોલીસે રૂ. 8 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને આઇસર ટેમ્પો મળી કુલ રૂ. 16.57 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે વિદેશી દારૂ ભરી આપનાર સહિત 2 લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.