સાવલીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર કેતન ઇનામદાર માની ગયા છે. ગાંધીનગરમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ નેતૃત્વ સાથે બેઠક બાદ રાજીનામું પરત ખેચ્યુ છે.સાવલીના ધારાસભ્ય પદેથી એકાએક રાજીનામું આપી કેતન ઇનામદારએ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જ્યો હતો. જેનાથી ફફડી ઉઠેલા ભાજપ સંગઠન દ્વારા કેતનને તાત્કાલીક ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. બપોરે ગાંધીનગરમાં કેતન ઇનામદાર અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. અને નારાજગીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. ગાંધીનગર આવી સી.આર.પાટીલ સાથે કેતન ઇનામદારએ બેઠક કરી હતી અને કાર્યકરોની અવગણનાનો મુદ્દો મુક્યો હતો. આ બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી રજની પટેલ હાજર હતા. સી.આર.પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારની પ્રતિક્રિયા સામે આવી છે.
ગાંધીનગરમાં સી.આર.પાટીલ સાથે બેઠક પુર્ણ થયા બાદ બહાર આવેલા કેતન ઇનામદારે રાજીનામું પરત ખેચ્યુ હોવાનું કહ્યુ હતું. કેતન ઇનામદારે કહ્યુ કે પાર્ટીના કાર્યકર્તાઓના માન સન્માનની વાત હતી. જે બેઠકમાં રજુ કરી હતી. મને સંતોષ થાય એ રીતે મારી વાત સંગઠને સાંભળી છે. પાર્ટી તરફથી સંતોષકારક જવાબ મળ્યો છે. સી.આર.પાટીલ સાથે ચર્ચા કરી છે. પક્ષના નેતૃત્વએ મને સાંભળ્યો છે એટલે મારુ રાજીનામું હું પરત લઉ છું. હું પાર્ટીનો વફાદાર કાર્યકર છું એટલે પાર્ટીનો કોઇ નુકશાન થવા નહી દઉ. તેમણે કહ્યુ મારા મતવિસ્તામાં બાકી કામ ઝડપથી પુર્ણ થાય તે માટે બેઠકમાં રજુઆત કરી છે. 2027ની ચૂંટણી હું નથી લડવાનો તેમ પણ જણાવ્યુ હતું. નોધનીય છે કે, કેતન ઇનામદારે રાજીનામું આપ્યુ હતુ પરંતુ રાજીનામું સ્વીકારવામાં આવ્યુ ન હતું. ત્યાર બાદ ગાંધીનગરમાં પ્રદેશ નેતૃત્વ સાથે બેઠક મળી જેમાં સંતોષકારક જવાબ મળી રહેતા કેતન ઇનામદારએ રાજીનામું પરત ખેંચી લીધુ છે. પાર્ટીના નાનામાં નાના કાર્યકરને સાંભળવામાં આવે તેવી રજૂઆત બેઠકમાં કરવામાં આવી હતી.