ભરુચના તબીબ નોકરી ઉપર જવાનું કહી બે દિવસથી ગુમ થતાં ગતરોજ અંકલેશ્વરના મોતાલી ગામ પાસે મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
ભરૂચના ચાવજ ગામના માંગલ્ય બંગલોઝ ખાતે રહેતા 42 વર્ષીય રાજેશ ભિખાભાઈ સિંધા ભરૂચ તાલુકાના ઝનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં હતા જેઓની ગડખોલ આરોગ્ય કેન્દ્રમાં બદલી થઈ હતી જેઓ ગત તારીખ-14મી મેના રોજ નોકરી ઉપર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા.જેઓ પરત નહિ ફરતા પરિવાજનોએ તેઓની ભારે શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન તબીબનો મૃતદેહ અંદાડા-સામોરથી મોતાલી ગામ તરફ જવાના રોડની પૂર્વ બાજુની તલાવડીની સામે બાવળની ઝાડીમાંથી વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ અંગેની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહની તપાસ કરતાં લાયસન્સ અને આઇડી કાર્ડ મળતાં તેની ઓળખ રાજેશ સિંધા તરીકે થઇ હતી.મૃતદેહ પર ઇજાના કોઇ નિશાન જોવા મળ્યાં ન હતાં.ચહેરો વિકૃત હાલતમાં હોવાથી તે તબીબ જ છે કે કેમ તેવા સવાલો પણ ઊભા થયા હતા.પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી હાલ તો અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.