Satya Tv News

અમદાવાદમાં સંબંધને શર્મશાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક માતાએ જ પોતાની 10 મહિનાની દીકરીને ક્રૂર હત્યા કરી નાખી. જોકે કોઈપણ કારણ વગર એક માસુમ દીકરીને મોતને ઘાટ ઉતારવાની આ ઘટનાથી ચકચાર મચી ગયો છે. પોલીસે પતિની ફરિયાદને આધારે હત્યારી પત્નીની ધરપકડ તો કરી લીધી છે, પરંતુ બાળકીના હત્યા પાછળનું કારણ જાણી પોલીસ પણ ચોકી ઉઠી છે.

અમદાવાદના ગાયકવાડ પોલીસ મથકમાં પોલીસે ધરપકડ કરેલી મહિલાનું નામ છે રીઝવાના વડનગરવાલા. આ મહિલાએ પોતાની જ સગી 10 મહિનાની દીકરીની કૃરતા પૂર્વક હત્યા કરી છે. આ મહિલાએ પોતાની દીકરીને પોતાના અંગત સ્વાર્થ માટે મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો આરોપ લાગ્યો છે.

હકીકત એવી છે કે બે દિવસ પહેલા 6 તારીખે સાંજે રીઝવાનાએ પોતાની દસ માસની બાળકી ફાતિમાને પોતાના આસ્ટોડિયા ખાતે આવેલા ઘરમાં બાથરૂમમાં લઈ જઈ પતિની દાઢી કરવાની બ્લેડથી દીકરીનું ગળું કાપી હત્યા નીપજાવી દીધી. જોકે તે હત્યાને કુદરતી મોત બતાવવા તેને ગળામાં બ્લેડ માર્યા બાદ હોસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં દીકરીનું દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાનો ખ્યાલ આવી જતા પતિએ પત્ની વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

ગાયકવાડ પોલીસે રીઝવાનાની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે રીઝવાના ના ત્રણ વર્ષ પહેલા આમીન સાથે લગ્ન થયા હતા. પરંતુ રીઝવાનાને કોઈ કારણોસર તેનો પતિ ગમતો ન હતો. જેથી તેના પતિ આમિનથી છુટકારો મેળવી તેને બીજા લગ્ન કરવા હતા. જે બાદ બીજા લગ્ન કરવા માટે દીકરી નડતરરૂપ થશે તેવું વિચારીને તેણે અચાનક જ દસ મહિનાની દીકરીની હત્યા કરી નાખી.

જો દીકરી સાથે હશે તો અન્ય કોઈ તેની સાથે લગ્ન નહીં કરે તેવા વિચારથી તેણે આ ઘટનાને અંજામ આપ્યો છે. જોકે પોલીસ પૂછપરછમાં એવું પણ સામે નથી આવ્યું કે રીઝવાનાને અન્ય કોઈ પ્રેમસંબંધ પણ છે. પોલીસે રીઝવાનાની વધુ પૂછપરછ કરી હત્યા કઈ રીતે કરી તે જાણવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જેમાં રિઝવાનાએ જણાવ્યું હતું કે બાળકીને ગળામાં ઇન્ફેક્શન હતું અને તેની દવા પણ ચાલી રહી હતી. જેથી રીઝવાનાએ બાળકીને ગળામાં બ્લેડ મારી દીધી હતી અને પરિવારને જણાવ્યું હતું કે બાળકીને ગળામાં અચાનક જ કંઈ થઈ ગયું છે. જે બહાના હેઠળ તેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવી હતી.

જોકે પોલીસ મથકમાં પણ જાણે કે રીઝવાના ને તેની બાળકીની હત્યા કર્યા હોવાનો કોઈ પણ અફસોસ ન હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. પોલીસ હવે એ પણ તપાસ કરે છે કે બાળકીની હત્યા પાછળ અન્ય કોઈ બાબત કારણભૂત તો નથી.

error: