Satya Tv News

મળતી માહિતી મુજબ સુરતના ડિંડોલી જીજ્ઞાનગર પાસે રહેતા તારાચંદભાઈ ઉતમભાઈ પાટીલના 6 વર્ષનો દીકરો સોસાયટીમાં રમતો રમતો ગુમ થઇ ગયો હતો. બાળક ગુમ થઇ જતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બાળકનો કોઈ અતોપત્તો ન મળતા આખરે આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. બાળક ગુમ થઇ ગયા હોવાનો ગંભીર મામલો સામે આવતા ડિંડોલી પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમો બાળકની શોધખોળમાં લાગી ગઇ હતી. આ દરમિયાન પોલીસ તપાસમાં તેના જ પિતાની હિલચાલ શંકાસપદ લાગી હતી. જેથી પોલીસે બાળકના પિતા તારાચંદ ઉતમ પાટીલની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. અને પોતાના જ બાળકનું અપહરણ કર્યાનું તરકટ રચી પોતાના ઓળખીતા મારફતે મહારાષ્ટ્ર ખાતે મોકલી આપ્યો હોવાની કબુલાત કરી હતી.

પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, પોતે પોતાના ધંધા માટે જુદી જુદી બેંકોમાંથી આશરે 9 લાખ જેટલી પર્સનલ લોન લીધી હતી અને કોરોના કાળ બાદ ધંધાની દશા ખુબ કથળી ગઇ હતી, પોતે તેમજ પોતાની પત્ની પણ સતત બીમાર રહેતી હોય તેના સારવાર પાછળ પણ ખુબ ખર્ચ થયો હતો જેથી પોતે પોતાના પિતા પાસે રહેવા જવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેના નજીકમાં સાસુ-સસરા પણ રહેતા હોવાથી તેની પત્ની રાજી થઇ ન હતી. જેથી પોતે માનસિક રીતે કંટાળી જતા પોતાની બહેન જ્યોતી રવીન્દ્ર ઠાકરે તથા તેના મિત્ર કરણ મનોહર વાકોડે મારફતે પોતાના દીકરાના અપહરણની યોજના ઘડી પોતાના બાળકને તેના મિત્ર કરણને સોંપી મહારાષ્ટ્ર ખાતે તેની બહેનના ગામ મોકલી આપ્યો હતો. જેથી બાળકના અપહરણ અંગે તેની પત્ની ઉપર નિષ્કાળજીનું બહાનું રાખી ત્યાંથી પોતાના પિતા સાથે તેમના ઘરે રહેવા જવા માટે માર્ગ મોકળો થાય વગેરે હકીકત જણાવી હતી.

આરોપીની કબુલાત બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી કરણ વાકોડેને નંદુરબાર ખાતેથી ચાલુ ટ્રેનમાંથી બાળક સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આ બનાવમાં બાળકના પિતા તારાચંદ ઉતમ પાટીલ, તેની બહેન જ્યોતી રવીન્દ્ર ઠાકરે અને બાળકના પિતાના મિત્ર કરણ મનોહર વાકોડેની ધરપકડ કરી છે. બાળકના પિતાનો મિત્ર કરણ રીક્ષા ચાલક તરીકે કામ કરે છે.

ડીસીપી ભાવેશ રોજીયાએ જણાવ્યું હતું કે, ગત તારીખ 6 જુલાઈ 2024ના રોજ ડિંડોલી જીજ્ઞાનગર પાસેથી તારાચંદ ઉતમભાઈ પાટીલના 6 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. 6 તારીખે બાળક ગુમ થયા બાદ 7 તારીખે તેના પિતાએ પોલીસને જાણ કરી હતી. તમામ પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં હતી તેમ છતાં 7 તારીખથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમ રાત-દિવસ આમાં મહેનત કરતા હતા. આ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ વગેરેનું એનાલિસીસ કરતા ખબર પડી કે બાળકના પિતા તારાચંદ ઉતમ પાટીલે જ પોતાના બાળકનું અપહરણ કર્યું હતું. તેની બહેન જ્યોતી અને મિત્ર કરણ મારફતે દીકરાને મહારાષ્ટ્ર બુલઢાણા મોકલી આપ્યો હતો. 9 જુલાઈના વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી બાળકને મુક્ત કરાવ્યો હતો. બાળકની સાથે અપહરણ કરનાર બંનેને પકડી પાડવામાં આવ્યા છે.

error: