મધ્ય પૂર્વના આ બંને દેશો એવા છે કે જેની સાથે ભારતના સંબંધો સારા છે પરંતુ જ્યારે સૌથી ખાસ અને મહત્વની વાત આવે છે ત્યારે ઈઝરાયલ ઈરાન કરતા આગળ નીકળી જાય છે. જો છેલ્લા 5 વર્ષના લેખાજોખા જોવામાં આવે તો ભારત અને ઈઝરાયલ વચ્ચે વેપાર બે ગણો વધ્યો છે જ્યારે ઈરાન અને ભારત વચ્ચેનો વેપાર ઓછો થયો છે. નિષ્ણાંતોનું માનવું છે કે, વ્યાપાર વધવો એ બે દેશો વચ્ચે મજબૂત સંબંધોનો પૂરાવો છે.
ઈઝરાયલની વાત કરવામાં આવે તો આ દેશે ક્યારેય ભારત વિરુદ્ધ કોઈ નિવેદન આપ્યું નથી અને ન તો તેના કોઈ નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે. પરંતુ ઈરાન સાથે સમયાંતરે આનાથી ઉલટું જોવા મળ્યું છે. ગયા મહિને જ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખમેનેઈએ ભારતના મુસ્લિમો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે મુસ્લિમ અધિકારોનું ઉલ્લંઘન કરનારા દેશોમાં ભારતનો સમાવેશ કરી દીધો હતો. આ ઉપરાંત ખમેનેઈએ મુસ્લિમ દમનનો આરોપ લગાવતા ભારતની સરખામણી મ્યાનમાર અને ગાઝા સાથે કરી દીધી હતી. જો કે તેના આ નિવેદનનો ભારતે જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે પર ‘તેણે પહેલા પોતાનો રેકોર્ડ જોવો જોઈએ.’
ભારતે 1992માં ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા. ત્યારથી લઈ અત્યાર સુધી બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થયા છે. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. 1992માં આશરે 200 મિલિયન ડૉલરનો વેપાર હતો, જે આજે નાણાકીય વર્ષ 2022-23માં વધીને 10.7 બિલિયન ડૉલર સુધી પહોંચી ગયો છે. છેલ્લા ચાર વર્ષમાં ઝડપથી વધારો થયો છે. અને વેપાર બમણો થઈ ગયો છે.
નરેન્દ્ર મોદીએ 2014માં કેન્દ્રની સત્તા સંભાળ્યા બાદ 2017માં તે ઈઝરાયલના પ્રવાસે ગયા હતા. નોંધનીય છે કે, તેઓ ઈઝરાયલના પ્રવાસે જનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન હતા. ભારત અને ઈઝરાયલ આતંકવાદ વિરોધી અને સુરક્ષા મુદ્દે સાથે મળીને કામ કરી રહ્યા છે. ભારત યહૂદી રાજ્યોથી હથિયારો ખરીદી કરી રહ્યા છે. ઈઝરાયલ અને ભારતના સંબંધ કેટલો મજબૂત છે તે વાતનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છે કે જ્યારે પીએમ મોદી ઈઝરાયલ પ્રવાસે ગયા હતા, ત્યારે નેતન્યાહૂએ રેડ કાર્પેટમાં મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ જ્યાં જ્યાં મુલાકાત કરી ત્યાં નેતન્યાહૂ ઉપસ્થિત રહ્યા હતા. આવી ટ્રીટમેન્ટ ફક્ત અમેરિકાના ઉચ્ચ કક્ષાના નેતાઓને જ આપવામાં આવે છે.