પૂણે શહેરમાં મૂળ સુરતની ગુજરાતી યુવતી સાથે ગેંગરેપની ઘટના બની છે. યુવાન અને યુવતી ઘાટ પર ફરતા હતા ત્યારે માનવાધિકાર સંગઠનના કાર્યકર્તા હોવાનો દાવો કરી ત્રિપુટીએ બંનેને ધમકાવી યુવકની મારપીટ કર્યા બાદ ઝાડ સાથે બાંધીને યુવતી પર ગેંગ રેપ કર્યો હતો. યુવતીને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી આરોપીઓને પકડવા પોલીસની 10 ટીમ બનાવવામાં આવી છે. પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી છે, જ્યારે બાકીના આરોપીના સ્કેચ બનાવવામાં આવ્યા છે. જેના આધારે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસે ત્રણ મોબાઇલ ફોન નંબર આપ્યા છે. અને નાગરિકોને અપીલ કરી છે કે જો કેસ વિશે કોઇ માહિતી મળે તો તેમનો સંપર્ક કરે. ભોગ બનનાર યુવતી સુરતની જ્યારે યુવાન જલગાંવનો હોવાની માહિતી મળી છે.
પૂણેમાં રહેતી ગુજરાતની 21 વર્ષની ઈવેન્ટ મેનેજમેન્ટની વિદ્યાર્થિની પર ત્રણ શખ્સોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના ગુરુવારે બની હતી. તે પૂણેમાં એક પુરુષ મિત્ર સાથે બહાર ગઈ હતી. પૂણેના ફેમસ બોપદેવ ઘાટ ખાતે ‘ટેબલ પોઈન્ટ’ પાસે બંને બેસ્યા હતા, જે પોલીસ હેલ્પ સેન્ટરથી માંડ થોડાક મીટર દૂર હતો. ત્રણ નરાધમોએ તેના મિત્ર પર હુમલો કર્યો, જે ફાઇનલ યર ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો વિદ્યાર્થી હતો. નરાધમોએ તીક્ષ્ણ હથિયાર બતાવીને તેનો શર્ટ અને બેલ્ટ કાઢી નાખવા દબાણ કર્યું હતું.નરાધમોએ યુવતી પર ગેંગરેપ કરતા પહેલા તેને બાંધવા માટે તેના શર્ટ અને બેલ્ટનો ઉપયોગ કર્યો હતો. આરોપીઓએ તેણીની ચાંદીની વીંટી છીનવી લીધી હતી, પરંતુ જતા પહેલા તેણીના મિત્રનો મોબાઇલ ફોન પરત કરી દીધો હતો.