અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન થોડા દિવસથી ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા જ આ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. અને હવે શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ચોરીનો આરોપી હિતેશ ઉર્ફે રોકી વાઘેલા ફરાર થઈ ગયો છે. પોલીસ કેદમાં રાખેલા આરોપીઓનું જ ધ્યાન નથી રાખી શકતી ત્યાં સામાન્ય માણસનું ધ્યાન તો કઈ રીતે રાખશે તેવા અનેક સવાલો ચર્ચામાં આવી ગયા છે.
આ આરોપી ચેઈન સ્નેચિંગનો આરોપી હતો. આ ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરાતા સેક્ટર ટુ ઇન્ચાર્જ જેસીપી ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે પોલીસની અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે. વિવિધ ટીમો દ્વારા આરોપી જઈ શકે તેવી શંકાસ્પદ જગ્યાઓ પર પણ વોચ રાખવામાં આવી રહી છે. મહત્ત્વનું છે કે, કાગડાપીઠ પોલીસ સ્ટેશન હાલ ટેમ્પરરી બિલ્ડીંગમાં શિફ્ટ કરેલું છે. આ પોલીસ સ્ટેશનની નવી બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગઈ છે છતાં પણ આ પોલીસ મથકને નવી જગ્યા પર કેમ નથી ખસેડવામાં આવ્યું તે પણ સવાલ છે.