સુરત જિલ્લા પલસાણા તાલુકાના બારાસડી ગામે ગતરોજ પ્રેમી યુવક દ્વારા તલવાર લઈ ઉત્પાત મચાવ્યો હતો. બેફામ બનેલા યુવકે એક પોલીસકર્મીને ઇજા પહોંચાડી હતી. પોલીસે હરકતમાં આવી પ્રેમી યુવકની અટકાયત કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી વરઘોડો કાઢ્યો હતો. જેમાં યુવકે બે હાથ જોડી માફી પણ માંગી હતી. બારાસડી ગામની યુવતીને વડોદરા ખાતે રહેતા નિમેષ ગઢવી નામના યુવક સાથે સોસીયલ મીડિયા થકી પ્રેમ થયો હતો. જોકે બાદમાં યુવતીના પ્રેમ સંબંધ અંગે પરિવારજનોને ખબર પડી ગઈ હતી. જેથી પ્રેમિકાએ યુવકને લગ્ન કરવા ના પાડી દીધી હતી. જેથી નિમેષ ગઢવી બેફામ બન્યો હતો.પ્રેમના ઝૂનૂનમાં વડોદરાથી છેક બારાસડી ગામ આવી પહોંચ્યો હતો. તલવાર તેમજ હાથમાં પથ્થર લઈ આખું ગામ માથે લીધું હતું. જે મામલે પોલીસએ પ્રેમી યુવકની અટકાયત કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા બારાસડી ગામે લઇ જઇ વરઘોડો પણ કાઢ્યો હતો.હાથમાં તલવાર લઈને નીકળેલા નિમેષ ગઢવીએ ભયનો માહોલ ઉભો કર્યો હતો. જેથી સૌ પ્રથમ ગંગાધર આઉટ પોસ્ટ પોલીસ પણ ત્યાં પહોંચી હતી. સમજાવવા જતાં નિકેત પટેલ નામના કોન્સ્ટેબલ ઉપર તલવાર વડે માથાના ભાગે ઇજા પણ પહોંચાડી હતી. બાદમાં પલસાણા પોલીસ સ્થળ પર પહોંચી સમજાવટ કરી પકડી લીધો હતો. હાલ સમગ્ર મામલે પલસાણા પોલીસ એ વરઘોડો કાઢવા સાથે પલસાણા કોર્ટમાં રજૂ કરાયો હતો. જેને ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજુર કરવામાં આવ્યાં છે.