અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિશ્વભરના લોકોને તેમના વતન ડિપોર્ટ કરવામાં આવી રહ્યાં છે. 205 ભારતીય ઘુસણખોરોને લઇને એક મીલીટરી વિમાન ટેક્સાસથી ભારત આવવા રવાના થયું છે. આ વિમાનમાં 33 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આ વિમાનમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતી ઘુસણખોરોના કેટલાક નામ પણ સામે આવ્યા છે. આ ગુજરાતીઓમાં 9 ગુજરાતી એક જ જિલ્લા ગાંધીનગરના હોવાનું જાણવા મળે છે.205 ભારતીયોમાં 33 તો ગુજરાતના છે જેઓ અમેરિકાથી પાછા આવી રહ્યા છે. આજે બપોરે આ લોકો અમૃતસર આવી પહોંચશે. અમેરિકાથી પાછા મોકલાયેલા ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના છે જેમાં મહેસાણા અને ગાંધીનગરમાંથી 12-12 લોકો પરત આવશે. જ્યારે સુરતના 4 અને અમદાવાદના 2 લોકો સામેલ હોવાનું ખુલ્યું છે. જ્યારે વડોદરા, ખેડા અને પાટણની 1-1 વ્યક્તિ આ વિમાનમાં સામેલ છે.
રાષ્ટ્રપતિ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ અનુસાર પોલીસ, ફેડરલ એજન્સીની મદદથી પકડી પાડવામાં આવેલા ગેરકાયદે વસવાટ કરતા લોકોને ગ્વાતેમાળા, પેરુ, હોન્ડુરસ રવાના કરવામાં આવ્યા છે. અત્યારસુધીના ઓપરેશનમાં સૌથી પહેલી વખત ભારત જેટલા દૂરના દેશોમાં ઘુસણખોરોને પરત મોકલી આપવામાં આવી રહ્યા છે.