સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ નજીકથી પ્રેમીયુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ યુવતીનું મોત નિપજ્યું છે. જ્યારે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના ગળા પર ગંભીર ઘા થયો હોવાના કારણે તે હાલ બોલી પણ શકતો નથી. યુવક અને યુવતી સવારના સમયે એક્ટિવા પર સાથે ગયા હતા ત્યારબાદ કોઈ કારણોસર બંને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાસ્થળ પરથી એક છરી અને બ્લેડ મળી આવી છે. બંનેએ એકબીજા પર હુમલો કર્યો કે કોઈ ત્રીજા વ્યકિતએ બંને પર હુમલો કર્યો તેને લઈ હાલ રહસ્ય સર્જાયું છે. ઘાયલ યુવકની પૂછપરછ માટે તબીબ મંજૂરી આપે તેની પોલીસ રાહ જોઈ રહી છે ત્યારબાદ સમગ્ર રહસ્ય પરથી પડદો ઉંચકાય તેવી શક્યતા છે.
સુરેશ બોલી શકતો ન હોવાથી મોબાઇલમાં ટાઇપ કરીને પરિવારના નંબર આપ્યા, પોલીસે પૂછતાં ઈશારામાં જણાવ્યું કે પહેલા યુવતીએ પોતાનું ગળું કાપ્યું, પછી પોતે પોતાનું ગળું કાપ્યું. પોલીસે પરિવારનો સંપર્ક કરી સુરત સિવિલ હોસ્પિટલ બોલાવ્યા.યુવતી તેજસ્વી ચૌધરીનું મોત નિપજ્યું છે. હાલ પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે સુરેશ જોગી અને તેજસ્વી શાળા સમયથી એકબીજાને ઓળખતા હતા. સુરેશ મજૂરીનું કામ કરે છે, જ્યારે તેજસ્વી કોલેજમાં ભણતી હતી. બંને એકબીજાને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં આ પણ જાણવા મળ્યું છે કે તેજસ્વીના પિતા તેમના સંબંધથી ખુશ નહોતા અને તેઓએ તેજસ્વીને સુરેશ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેજસ્વીના પિતા સાથે પણ હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે.