
સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આજે ફરી ભીષણ આગ લાગી છે. 1થી 4 ફ્લોર પર ફેલાયેલી આગના પગલે અનેક દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે. આગ વધુ ફેલાવાના પગલે 20થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે ખડકાઈ છે અને સતત 4 કલાકથી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ઓક્સિજન માસ્ક પહેરી ફાયર અધિકારીઓ અલગ અલગ ફ્લોર પર પહોંચ્યા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા છે.
ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે આગ ખૂબ જ મોટા પ્રમાણમાં અંદર ફેલાઈ રહી છે. કેટલાક ફાયરના અધિકારીઓ પણ અંદર ફસાઈ ગયા હતા, જેઓ બહાર આવી ગયા છે. અમારા પહેલાં ફાયર ઓફિસર દિનેશ જે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે અહીં ખૂબ મોટા ધડાકા થઈ રહ્યા છે. હજી અંદર પણ મોટા પ્રમાણમાં આગ લાગી છે. અલગ-અલગ સ્ટેશનની ગાડીઓને બોલાવી લેવામાં આવી છે. અત્યારે આગ ઉપર કંટ્રોલ લાવવા માટેની કામગીરી હાથ ધરાઇ છે. ચારથી પાંચ માળ સુધી આગ પ્રસરી ચૂકી છે. કયા કારણસર આગ લાગી છે એ તપાસ હજી ચાલી રહી છે, પરંતુ, પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિસિટી ચાલુ થવાથી એકાએક ધડાકા થયા હોવાનું જાણવા મળ્યું છે.