મહારાષ્ટ્રમાં શનિવારે સવારે અહમદનગર જિલ્લા હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. અહેવાલો અનુસાર, હોસ્પિટલ ICUમાં આગ લાગી હતી.
આગ બુઝાવવા માટે ફાયરબ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બીજી તરફ, ICUમાં દાખલ દર્દીઓને અન્ય સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. ICUમાં ઘણા દર્દીઓ હતા, જે વેન્ટિલેટર પર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં 10 દર્દીએ જીવ ગુમાવ્યા છે. જોકે વહીવટીતંત્રે એની પુષ્ટિ કરી નથી.શનિવારે સવારે 11.30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ લાગી એ સમયે ICU વોર્ડમાં 20 લોકો હાજર હતા. હોસ્પિટલના વોર્ડ બોય્ઝ, નર્સો અને ડોકટરોએ તમામ દર્દીઓને સલામત વોર્ડમાં ખસેડ્યા હતા. જે વોર્ડમાં આગ લાગી હતી એ હોસ્પિટલની મધ્યમાં છે.
આગ લાગવા પર હોસ્પિટલના અગ્નિશામક યંત્રથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ એ નિષ્ફળ ગયો હતો. અહમદનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને એમઆઈડીસી ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.તાજેતરની માહિતી મુજબ, આગને કાબૂમાં લેવાનો પ્રયાસ અંતિમ તબક્કામાં છે. ફાયર વિભાગના કર્મચારીઓ, પોલીસકર્મીઓ અને હોસ્પિટલ મેનેજમેન્ટ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. પ્રારંભિક અંદાજો એ છે કે આગ શોર્ટસર્કિટને કારણે લાગે છે, જોકે એની પુષ્ટિ થવાની બાકી છે.