Satya Tv News

ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર ૧૦ માં આવેલ કતોપોર બજાર, ગાંધી બજાર ચોક, ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં રોડ રસ્તા અને ગટરની હાલત દયનિય બનતા આખરે ભરૂચ કતોપોર બજાર વેપારી એસોસિએશન દ્વારા નગરપાલિકા ખાતે ધસી આવી હોબાળો મચાવ્યો હતો.

ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર ૧૦ માં આવેલ કતોપોર બજાર, ગાંધી બજાર ચોક, ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં રોડ રસ્તા અને ગટરની હાલત દયનિય બની છે, બિસ્માર રસ્તા અને ઉભરાતી ગટરોને કારણે આ વિસ્તારમાં વેપાર કરતા અનેક વેપારીઓના ધંધા રોજગાર ઉપર તેની સીધી અસર ઉભી થઈ છે, પાલીકાના તંત્રમાં અવારનવાર રજુઆત છતાં વેપારીઓની માંગણીઓ ઉપર તંત્ર મૌન સેવી બેઠું હોય તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે.

ભરૂચના ફાટા તળાવથી ફુરજા ચાર રસ્તા અને કતોપોર બજારને જોડતો માર્ગ જાણે કે વાહન ચાલકો અને વેપારીઓ માટે માથાના દુખાવા સમાન બન્યો છે, આ વિસ્તારમાં બારે માસ જાણે કે સમસ્યાઓમાંથી મુક્તિ ન મળતી હોય તેમ ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા અને અન્ય ઋતુઓમાં બિસ્માર માર્ગથી થતી તકલીફોના કારણે વેપાર ધંધા પડી ભાગ્યા હોય તેવા આક્ષેપો વેપારીઓ કરી રહ્યા છે, સતત પાલિકામાં વેરો ભરતા આવતા વેપારીઓની આ પ્રકારની દયનિય હાલત ઉપરથી કહી શકાય છે કે તેઓને જે પ્રાથમિક સુવિદ્યાઓ આપવામાં તંત્ર કોઈ કારણોસર ઢીલું પડી રહ્યું છે.

પ્રાથમિક જાણકારી મુજબ આ વિસ્તારમાં મુખ્ય માર્ગ ફાટા તળાવથી ચાર રસ્તા સુધીનો મંજુર છતાં કોન્ટ્રાક્ટર કે તંત્રની ઢીલાશમાં હજુ સુધી તેની કામગીરી પૂર્ણ થઇ શકી નથી, ત્યારે આજરોજ ભરૂચ કતોપોર બજાર વેપારી એસોસિએશન દ્વારા નગરપાલિકા ખાતે ધસી આવી સમગ્ર માંગણીઓ અંગે ચીફ ઓફીસર સંજય સોનીને રજુઆત કરી હતી અને તેઓની સમસ્યાનો ઉકેલ નહિ આવે અને યોગ્ય ઉત્તર નહિ મળે તો તેઓ ધરણાં પર ઉતરી જશે તેવી ચીમકી તેઓએ ઉચ્ચારી હતી.

વિડીયો જર્નાલિસ્ટ : હરેશ પુરોહિત, સત્યા ટીવી,ભરૂચ

error: