Satya Tv News

ઝઘડીયાના વીજ કર્મચારીને જાતિ વિષયક અપશબ્દો બોલનાર ખરચીના ઇસમો વિરુધ્ધ ફરિયાદ

ભરુચ જિલ્લાના ઝઘડીયા ખાતેની વીજ કચેરીમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા કર્મચારીને માર મારી જાતિવિષયક અપમાન કરનાર બે ઇસમો સામે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે. મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે રહેતા નરેન્દ્રકુમાર રેવાદાસ રોહિત ઝઘડીયા ખાતેની વીજ કંપનીમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. ગત તા.૨૫ મીના રોજ ખરચી ગામના મેહુલભાઇ ધનસુખ પટેલના ગુમાનપુરા ગામે આવેલ ખેતરમાં વીજ પાવર મળતો નથી એવી ફરિયાદ મળતા આ વીજ કર્મચારી અન્ય સહ કર્મચારીઓ સાથે ફરિયાદ મુજબના સ્થળે જવા નીકળ્યા હતા. ઇકો ગાડીમાં બેસીને આ વીજ કર્મીઓ ફુલવાડી થઇને કપલસાડી ગામે જતા હતા ત્યારે મેહુલ પટેલનો કોલ આવ્યો હતો, તેથી નરેન્દ્રભાઇએ જણાવેલ કે અમે અન્ય ગામે ચેક કરીને આવીયે છીએ. ત્યારબાદ આ વીજકર્મીઓ ગુમાનપુરા ગામના રોડ ઉપર નાળા પાસેથી પસાર થતા હતા ત્યારે બાઇક પર આવેલ બે ઇસમોએ તેમને રોક્યા હતા. આ ઇસમોના નામ મેહુલ ધનસુખ પટેલ રહે.ખરચી અને બીજાનું નામ કલ્પેશ પટેલ રહે.ખરચીના જણાયુ હતુ. આ ઇસમો બાઇક પરથી નીચે ઉતર્યા હતા. અત્યારે રાતના શુ ચેક કરવાના છો એમ કહીને ગાળ બોલતા નરેન્દ્રકુમારે ગાળ બોલવાનું ના કહ્યુ હતુ. બાઇક પર આવેલ કલ્પેશ પટેલે આ વીજકર્મીને ગાડીમાંથી બહાર ખેંચી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. મેહુલ પટેલે તેના હાથમાંની કોદાળીના હાથાથી ગોદા માર્યા હતા. કલ્પેશ પટેલે ઢિકાપાટુનો માર માર્યો હતો. અન્ય સાથી વીજકર્મીઓ વચ્ચે છોડાવવા પડતા તેમને પણ માર માર્યો હતો. આ હુમલામાં વીજકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઉપરાંત બાઇક પર આવેલ આ ઇસમોએ નરેન્દ્રકુમારને જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાન કર્યુ હતુ. આ ઘટના બાબતે નરેન્દ્રકુમાર રેવાદાસ રોહિત રહે.રાણીપુરા તા.ઝઘડીયા જિ.ભરુચનાએ મેહુલ પટેલ અને કલ્પેશ પટેલ બન્ને રહે.ગામ ખરચી તા.ઝઘડીયા વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.’

error: