લખનઉ : ઉત્તર પ્રદેશ ટેટ પેપર લીક મામલામાં અત્યાર સુધીમાં કુલ 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં લખનઉમાંથી ચાર, શામલીમાંથી ત્રણ, અયોધ્યાથી બે અને કૌશાંબીથી એક, પ્રયાગરાજથી 13 લોકોને ઝડપી લેવાયા છે. ધરપકડ કરાયેલા આરોપીઓની પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં અન્ય નામો અને પુરાવા સામે આવી શકે છે.
કૌશાંબીમાંથી ધરપકડ કરાયેલો રોશનસિંહ પટેલ પાલીની પરીક્ષાના પેપર લીકનો માસ્ટરમાઇંડ છે. મેરઠથી પણ એક ઝડપાયો છે. એલડીજી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે શનિવારે મોડી રાત્રે અમે કુલ 23 લોકોની ધરપકડ કરી છે. જેમા સૌથી વધુ 13 લોકો પ્રયાગરાજથી ઝડપાયા છે. એટીએસની ટીમે આ લોકોની ધરપકડ કરી છે.
યુપીટેટની પરીક્ષા બે તબક્કામાં યોજાવાની હતી, 736 પરીક્ષા કેંદ્રો પણ તૈયાર કરી દેવાયા હતા. હવે જ્યારે પેપક લીક કૌભાંડ સામે આવ્યું છે ત્યારે એક મહિનામાં ફરી પરીક્ષા યોજવાની પ્રશાસનની તૈયારી છે.
પેપર લીક થયા બાદ યુપીટેટની પરીક્ષાને રદ કરી દેવામાં આવી હતી, મેરઠ એટીએસએ ત્રણ લોકોની શામલીમાંથી ધરપકડ કરી છે. પોલીસે મામલાને લઇને તેમની પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસે જે ત્રણ લોકોની ધરપકડ કરી છે તેમાં મનીષ, રવિ અને ધર્મેંદ્ર સામેલ છે. રવિવારે સવારે પેપર સાથે શામલીથી ત્રણ લોકોની ધરપકડ કરાઇ હતી. આ મામલે પૂછપરછ થઇ રહી છે તેમાં મનીષ મુખ્ય આરોપી છે.
બીજી તરફ પેપર લીક થયા બાદ પરીક્ષાને હાલ રદ કરી દેવાઇ છે જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે જે પણ આરોપીઓ છે તેમની સામે એનએસએ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. આ પરીક્ષા માટે ઉત્તર પ્રદેશમાંથી આશરે 20 લાખ ઉમેદવારો હાજર રહેવાના હતા. જોકે પ્રશાસને જણાવ્યું છે કે પરીક્ષા આપનારા ઉમેદવારો પાસેથી ફરી ફી લેવામાં નહીં આવે અને એક મહિનાની અંદર ફરી પરીક્ષા યોજવામાં આવશે.