અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલી આર.પી. ઇન્ડસ્ટ્રીઝમાં રવિવારે મધરાતે રીએક્ટર ફાટતા નાઈટશિપમાં કામ કરી રહેલા એક કામદારનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે 5 કામદારો ઘવાતા સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં હાલ પણ બે ગંભીર જયારે અન્યોની હાલત સુધારા પર જણાતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે.
\અંકલેશ્વર તાલુકાના પાનોલી ઉદ્યોગ નગરીમાં આર.પી. ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ કંપનીમાં રાતે દોઢથી 2 કલાક દરમિયાન ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે એકાએક પ્રેશર વધી જતાં રીએક્ટર પ્રચંડ ધડાકા સાથે ફાટતા આગ સાથે અફરાતફરી મચી ગઇ હતી. નોટિફાઇડ એરિયા અને અન્ય કંપનીના ફાયર ફાઇટરોએ મહા મહેનતે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનામાં મૂળ બિહારના અને હાલ સંજાલી રહેતા 25 વર્ષીય સંતોષ લખન તાતીનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે પ્લાન્ટમાં કામ કરતા અને હાલ અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે જ રહેતા 5 કામદારો અવની ચંદ્રદેવ શર્મા, મુન્શી જગલ કિશકુ, મન્ના ભગવાન પૈદાર, બાબુચંદ ટુડુ અને રામનાથ મીશ્રીલાલ યાદવને ઇજાઓ પોહચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જેમાં હાલ બે કામદાર ગંભીર તો અન્ય બેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે.
જેમાં ઘટનાની જાણ થતા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ સાથે અંકલેશ્વર રૂરલ પોલીસે દોડી આવી ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. ફેકટરી ઇન્સ્પેકટર દ્વારા દુર્ઘટના સ્થળની મુલાકાત કર્યા બાદ કર્યા કારણોસર ઘટના બની તે બહાર આવી શકશે. હાલ તો અંકલેશ્વર તાલુકા પોલીસે અકસ્માતે મોતનો જાણવા જોગ ગુનો નોંધી તપાસ આરંભી છે. ઘટના પાછળ કૃત્રિમ કે કુદરતી ક્ષતિ કારણભૂત હતી તેની પણ તપાસ ચલાવવામાં આવશે. દુર્ઘટનગ્રસ્ત પ્લાન્ટને હાલ બંધ કરી દેવામાં આવ્યો છે.
વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર