સૌથી સલામત, અત્યાધુનિક એમઆઇ-17વીફાઇવ હેલિકોપ્ટરનો અકસ્માત અસામાન્ય
હેલિકોપ્ટરે અકસ્માતની સાત મિનિટ પૂર્વે જ સુલુર એર બેઝ સાથેનો સંપર્ક ગુમાવ્યો હતો, પાઇલટે પસંદ કરેલો માર્ગ પણ નિયમિત નહોતો
ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ-સીડીએસ- બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત તથા સૈન્યના અન્ય 11 અધિકારીઓને લઇ જતાં હેલિકોપ્ટરને તમિલનાડુમાં નીલગીરીની પહાડીઓમાં અકસ્માત થતાં ગુ્રપ કેપ્ટન વરૂણ સિંહ સિવાય હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોનાં મોત નીપજ્યા છે. જોકે, આ અકસ્માત મામલે હાલ પ્રકારની અટકળો ચાલી રહી છે, જેમાં અકસ્માત પાછળ ચીનનો હાથ હોવાની અટકળો પણ થઈ રહી છે.
સંસદમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કરેલા નિવેદન અનુસાર સુલુર એરબેઝ પરથી 11.48 મિનિટે રવાના થયેલું હવાઇદળનું એમઆઇ-17 વીફાઇવ હેલિકોપ્ટર 12.15 વાગ્યે વેલિંગ્ટન ખાતે ઉતરવાનું હતું પણ હેલિકોપ્ટરે 12.08 વાગ્યે સુલુર એરબેઝ સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો.
આ હેલિકોપ્ટરનો જે સંજોગોમાં અકસ્માત થયો છે અને તે જે સમયે થયો છે તેના કારણે અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. આ અકસ્માતમાં માર્યા ગયેલા સીડીએસ જનરલ બિપિન રાવત હાલ ભારતીય સંરક્ષણ દળોની કાયાપલટ કરી તેને થિયેટર કમાન્ડમાં ફેરવવાની ખૂબ મહત્વની કામગીરી સંભાળી રહ્યા હતા.
પૂર્વીય લદ્દાખમાં ગયા વર્ષે એલએસી પર ચીન સાથેના ઘર્ષણ પછી બિપિન રાવતની વ્યૂહરચનાઓએ ચીનના બદઈરાદાઓને સફળ થવા દીધા નહોતા. વધુમાં દેશમાં નેતાઓ ચીનનું નામ લેવામાં ખચકાતા હોય છે ત્યારે જનરલ બિપિન રાવતે અનેક વખત બંને દેશો વચ્ચેના ઘર્ષણ માટે ચીનને સીધેસીધું જવાબદાર ઠરાવ્યું હતું. આથી પણ બિપિન રાવત ચીનને આંખમાં કણીની માફક ખૂંચતા હતા. ચીન યુદ્ધમાં જીતવા માટે તમામ પ્રકારની રસમો અપનાવવા માટે જાણીતું છે.
હાલ ચીને ભારત અને તાઇવાન સામે શિંગડા ભેરવેલાં છે. 2020ના જાન્યુઆરીમાં આવી જ એક ઘટનામાં તાઇવાનના ટોચના લશ્કરી અધિકારી 62 વર્ષના ચીફ ઓફ જનરલ સ્ટાફ શેન યી મિંગને લઇ જતું યુએચ-60 એમ હેલિકોપ્ટર તુટી પડયું હતું. આ હેલિકોપ્ટર તાઇપેઇ શહેર નજીક રડાર પરથી અદૃશ્ય થઇ ગયું હતું અને તેણે ઉડાન ભર્યા બાદ 13 મિનિટમાં જ બેઝ સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો. આ ઘટનામાં મિંગ અને તેમની સાથે પ્રવાસ કરતાં પાંચ લોકોના મોત થયા હતા.
સીડીએસ બિપિન રાવતના હેલિકોપ્ટર અકસ્માત વિશે ભારતીય હવાઇદળમાં હલિકોપ્ટર ઉડાડવાનો અનુભવ ધરાવતાં કૂન્નુરના રહેવાસી નિવૃત્ત હાવિલદાર આર. સુરેશકુમારે જણાવ્યું હતું કે સામાન્ય રીતે ભારતીય હવાઇદળના હેલિકોપ્ટર વેલિંગ્ટન જવાના હોય ત્યારે ઉટીની પશ્ચિમ તરફ આવેલા પાક્કાસુરાનમલાઇનો હવાઇ માર્ગ પસંદ કરે છે.
પણ બુધવારે રાવતના હેલિકોપ્ટરે આ માર્ગના બદલે કાટ્ટેરી -બર્લિયાર સેકટરનો હવાઇમાર્ગ પસંદ કર્યો હતો.આ હવાઇમાર્ગ પાક્કાસુરાઇનમલાઇ અને નાન્જિપ્પાચથિરામના ઢોળાવો વચ્ચે સેન્ડવિચ થયેલો છે. વળી આ ખીણ એ સમયે ધુમ્મસભરી હતી. હેલિકોપ્ટરના પાઇલટે આ માર્ગ શા માટે પસંદ કર્યો તે એક રહસ્ય છે.
સામાન્ય રીતે નીલગીરીના પહાડોમાં વીવીઆઇપીના હેલિકોપ્ટર ઉડવાના હોય તો તેને માટે વેધર ક્લિયરન્સ ફરજિયાત છે. બુધવારે કૂન્નુરમાં વાતાવરણ ધુમ્મસછાયું હતું આમ છતાં સીડીએસ બિપિન રાવતના હેલિકોપ્ટરને ઉડવાની મંજૂરી અપાઈ હતી.આ મામલે પણ તપાસ કરવાની જરૂર છે. સામાન્ય રીતે હવામાન સ્પષ્ટ ન હોય તો વીવીઆઇપીઓને રોડ માર્ગે રવાના થવાની સલાહ આપવામાં આવે છે.
આ અકસ્માતના રહસ્યને ખોલવા માટે અધિકારીઓએ પાઇલટ અને વેલિગ્ટન હેલિપેડ ેએરબેઝ અથવા કોઇમ્બતુરમાં હવાઇદળના એરોડ્રોમ સાથે કોઇ સંપર્ક કર્યો હતો કે કેમ તેની તપાસ કરવી જરૂરી છે.
તાજેતરના વર્ષોમાં ભારતીય સંરક્ષણ દળોમાં ધરમૂળથી ફેરફાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ભારતે પણ વિદેશમાં તેજસ લડાયક વિમાનો વેચવાનું શરૂ કર્યું હતું.
આ ઉપરાંત ચીન સામે ભારતના લશ્કરને સુસજ્જ બનાવવા માટે સીડીએસ બિપિન રાવતે મહત્વની થિયેટર કમાન્ડ સ્થાપવાની કામગીરી પણ શરૂ કરી હતી. આમ, એકસાથે અનેક ઘોડે સવાર સીડીએસ બિપિન રાવતના નિધનથી ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલા સુધારા પર પણ મોટી અસર પડશે.