એક યુવકે તેની પ્રેમિકા સાથે રહેવા માટે જેન્ડર ચેન્જ કરાવવાનો નિર્ણય કર્યો હતો. તેની ટ્રીટમેન્ટ ચાલતી હતી. માતા-પિતાના સમજાવ્યા પછી તેની ટ્રીટમેન્ટ વચ્ચે રોકવામાં આવી હતી. એને પરિણામે તેના શરીરમાં છોકરી અને છોકરા બંનેના હોર્મેન્સ આવી ગયા છે.
32 વર્ષનો યુવક માતા-પિતાનો એકનો એક દીકરો હતો. તેના પિતા ક્લાસવન ઓફિસરની પોસ્ટથી રિટાયર્ડ થયા હતા. યુવક દિલ્હીની મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો. ત્યાં તેને તેની કલીગ સાથે પ્રેમ થઈ ગયો અને તેથી તેણે જેન્ડર ચેન્જ કરાવવાનો નિર્ણય કર્યો હતો. પહેલા સ્ટેપમાં તેની બોડીમાં હોર્મોન્સ ચેન્જ આવ્યા. ત્યાર પછી તે છોકરીઓ જેવું વર્તન કરવા લાગ્યો હતો. તેનામાં અચાનક આવેલા ફેરફાર પછી પરિવાર સામે આ વાતનો ઘટસ્ફોટ થયો હતો. તેમણે ભોપાલમાં યુવક અને આ મહિલાનું કાઉન્સેલિંગ કરાવ્યું હતું. યુવક દિલ્હીનો છે અને મહિલા મૂળ મધ્યપ્રદેશની છે.
યુવકનાં માતા-પિતા ભોપાલનાં એડવોકટ સરિતા રાજાણી પાસે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અંદાજે દોઢ મહિના પહેલાં તેમના દીકરામાં ઘણાં પરિવર્તન જોવા મળ્યાં હતાં. તે એકલો એકલો રોતો હતો. ગુસ્સામાં રહેતો હતો અને વારંવાર ચિડાઈ જતો હતો. કાઉન્સેલર એડવોકેટ સરિતાએ માતા-પિતાના કહેવાથી યુવકનું કાઉન્સેલિંગ કર્યું હતું. હાલ યુવકની જેન્ડર ચેન્જની ટ્રીટમેન્ટ અડધેથી રોકી દેવામાં આવી છે.
કાઉન્સેલિંગ દરમિયાન યુવકે જણાવ્યું હતું કે તેની સાથે એક 30 વર્ષની મહિલા નોકરી કરતી હતી. મહિલાના પતિનું 2 વર્ષ પહેલાં કોરોનામાં મોત થયું હતું. તેમને એક દીકરી પણ છે. બંને અંદાજે 6 મહિના પહેલાં મળ્યાં હતાં. તે એકલી રહે છે. પહેલાં બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી પ્રેમ. યુવકે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો તો મહિલાએ ના પાડી દીધી. તેણે કહ્યું, તેનો પતિ તેને ખૂબ પ્રેમ કરતો હતો. ત્યાર પછી યુવકે જેન્ડર ચેન્જ કરાવીને છોકરી બનવાનો નિર્ણય કર્યો.
ડોક્ટરનો સંપર્ક કર્યો અને જેન્ડર ચેન્જ કરાવવા માટે પહેલા સ્ટેપમાં હોર્મોનલ ચેન્જ કરવાની દવા લીધી. એ આ દવા અંદાજે એક મહિનાથી લેતો હતો. એને કારણે તેનામાં ઘણાં પરિવર્તન આવ્યાં હતાં.
કાઉન્સેલરે આ વિશે મહિલા સાથે પણ વાત કરી છે. તેણે કહ્યું હતું કે છોકરો તેને પાગલોની જેમ પ્રેમ કરે છે. તે પોતાના નિર્ણય વિશે કંઈ જ સાંભળવા તૈયાર નથી. તે મારી વાત પણ સાંભળવા તૈયાર નથી. હું મારા પતિ સિવાય બીજા કોઈને પતિ તરીકે સ્વીકારી શકું એમ નથી. તેમનું બે વર્ષ પહેલાં કોરોનાને કારણે મોત થયું છે.