સુરત SMCમાં શૂન્યમાંથી 27 સીટોએ પહોંચેલી AAPનું રાજકીય ભાવિ ડગમગતું
આપ છોડનારા 6 કોર્પોરેટરમાંથી 5 મહિલા ભાજપમાં જોડાયા
એક વર્ષ પહેલા ફેબ્રુઆરી, 2021માં યોજાયેલી 7 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ નોંધપાત્ર પ્રદર્શન કરી ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તેમાં પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો 27 બેઠકો સાથે મુખ્ય વિપક્ષ બની હતી. પરંતુ એક વર્ષમાં ફેબ્રુઆરી 2022માં સુરત શહેરમાં ઝીરોમાંથી હીરો બનેલી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ પક્ષપલટો કરીને લોકોના પ્રજા દ્રોહ કર્યો છે. આ કોર્પોરેટરોએ કેમ પક્ષપલટો કર્યો હશે?તે કારણો અંગે લોકોના અલગ-અલગ તારણો છે. છેલ્લા એક મહિનાથી આપ સુરતમાંથી સાફ થવા લાગી છે.
સૌથી પહેલા જાન્યુઆરીમાં મહેશ સવાણીએ પાર્ટીને રામ રામ કર્યા હતા. ત્યાર બાદ ફેબ્રુઆરીના પહેલા વીકથી કોર્પોરેટરોએ પણ એક બાદ એક પાર્ટી છોડવાનું શરૂ કર્યું છે. આપમાંથી 6 કોર્પોરેટરે રાજીનામા ધરી દીધા છે. જેમાં વિપુલ મોવલિયા , ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા, મનિષાબેન કુકડિયા, ઋતા કાકડિયા અને કુંદન કોઠિયાનો સમાવેશ થાય છે. આ તમામે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.