આલિયા ભટ્ટ તથા સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ 25 ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. જોકે, રિલીઝના એક દિવસ પહેલાં જ સુપ્રીમ કોર્ટે ફિલ્મનું નામ બદલવાનું સૂચન કર્યું છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ઈન્દિરા બેનર્જી તથા જસ્ટિસ જે કે મહેશ્વરીની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી રહ્યા છે. બોમ્બે હાઇકોર્ટે બાબુજી રાવજી શાહની અરજી રદ્દ કર્યા બાદ તેમણે સુપ્રીમમાં અરજી કરી હતી.
આલિયા ભટ્ટની આ ફિલ્મમાં કમાઠીપુરા શબ્દનો ઉપયોગ કરવા પર સ્થાનિકોને આપત્તિ છે. સ્થાનિકો અને MLA અમીન પટેલે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેમની માગ છે કે, મેકર્સ ફિલ્મમાંથી કમાઠીપુરા શબ્દ દૂર કરવામા આવે. આ અરજી પર હાઈકોર્ટ બુધવારે સુનાવણી કરશે. કમાઠીપુરાના લોકોનો આરોપ છે કે તેમનો વિસ્તાર બદનામ થઈ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે, સ્થાનિક લોકો ફિલ્મ બૅન કરવાની માગ કરી રહ્યા છે.
ગંગુબાઈના દીકરા બાબુરાવજી શાહે જણાવ્યું હતું કે, ‘ફિલ્મમાં મારી માતાને પ્રોસ્ટિટ્યૂટ બનાવી દેવામાં આવી છે. હવે લોકો તેમના વિશે અલગ અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે. આ વાતો અમારી ફેમિલીને દુ:ખી કરી રહી છે. બીજી તરફ ગંગુબાઈની પૌત્રી ભારતીએ કહ્યું કે, ફિલ્મના મેકર્સે પૈસાની લાલચમાં આવીને મારા પરિવારને ડી-ફેમ કર્યો છે. મેકર્સે ફિલ્મ બનાવવા માટે પરિવારની સંમતિ પણ લીધી નથી અને કોઈ અમારી પાસે પણ નથી આવ્યું.’
ઉલ્લેખનીય છે કે સંજય લીલા ભણસાલીની ફિલ્મ્સ અંગે ભૂતકાળમાં પણ વિવાદ થઈ ચૂક્યા છે. ‘રામલીલા’ના નામ અંગે વિવાદ થતાં છેલ્લી ઘડીએ ફિલ્મનું નામ ‘ગોલિયો કી રાસલીલા રામ-લીલા’ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ‘પદ્માવતી’નું નામ બદલીને ‘પદ્માવત’ કરવામાં આવ્યું હતું.