આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થશે. 31 માર્ચ સુધી વિધાનસભાનું બજેટ સત્ર ચાલશે. જેમાં આવતી કાલે વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ થશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતનું વર્ષ 2022-23 ના ફાઈનાન્શિયલ વર્ષ માટેનું બજેટ રજૂ કરશે. ચૂંટણી પહેલાનું બજેટ સત્ર હોવાથી સૌની નજર હાલ બજેટ પર છે. આ ઉપરાંત સત્રમાં 7 જેટલા મહત્વપૂર્ણ બિલ સરકાર રજૂ કરશે. રાજ્યપાલના સંબોધન સાથે બજેટ સત્રની શરૂઆત થશે. સત્રમાં 2 સરકારી બિલ પણ રજૂ થશે.
ભૂપેન્દ્ર પટેલની સરકારનું આ પહેલુ બજેટ છે, તો નાણા મંત્રી પહેલીવાર ગુજરાતનું બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. તેઓ વર્ષ 2022–23નું આશરે 2.35 લાખ કરોડનું અંદાજપત્ર રજૂ કરશે તેવી શક્યતા છે. બજેટ સત્ર તોફાની બની રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે, ચૂંટણી પહેલાનું આ બજેટ છે, જેથી વિપક્ષ પર આ બજેટ પર સરકાર સામે મોરચો માંડી શકે છે.
કોંગ્રેસે ગુજરાતની પ્રજાને રાજય સરકારની કામગીરીનો ખ્યાલ આવે તેટલા માટે લાઇવ પ્રસારણની માગણી કરી હતી, પણ રાજય સરકારે આ મુદ્દો કોર્ટમાં સબજયુડીશ છે અને કોર્ટ મેટર હોવાથી લાઇવ પ્રસારણની થઇ શકે તેમ નથી જણાવી કોંગ્રેસની માગણી સ્વીકારી ન હતી.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર પહેલાં કેબિનેટ બેઠક યોજાનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભા સંકુલમાં કેબિનેટ બેઠક મળશે. જેમાં રાજ્ય સરકારની યોજનાઓની સમીક્ષા થશે. બજેટ સત્રની તૈયારીઓ અંગે પણ ચર્ચા થશે. તો સત્રમાં સરકારની રણનીતિ અંગે પણ ચર્ચા થશે. રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અંગે પણ વિચારવિમર્શ કરાશે.