અંકલેશ્વર હાઇવે ઉપર ખુલ્લા મેદાન અને વાડીમાં ચાલતો બાયોડિઝલ પંપ ઝડપાયો
2800 લીટર જથ્થો, મશીનરી, પમ્પ, 3 મોબાઈલ, ટેમ્પો સાથે બેની ધરપકડ
ભરૂચ LCBની ટીમે કુલ રૂ. 4.25 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
અંકલેશ્વર :- અંક્લેશ્વર હાઇવે ઉપર ઓસ્કાર હોટલ પાછળ આવેલા ખુલ્લા મેદાન અને વાડીમાં ચાલતા ગેરકાયદેસર બાયોડિઝલના વેપલાને એલસીબીએ ઝડપી પાડ્યો હતો. બે આરોપીઓની ધરપકડ સાથે બાયોડિઝલ મળી કુલ રૂપિયા 4.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
ભરૂચ એલસીબીની ટીમ ગઈકાલે ગુરૂવારે અંક્લેશ્વર વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન હાઇવે ઉપર કાપોદ્રા ગામની સીમમાં બાયોડિઝલનો વેપલો ચાલતો હોવાની બાતમી મળી હતી. એલ.સી.બી ટીમ દ્વારા મામલતદાર અને એફ.એસ.એલ અધિકારીને સાથે રાખી તપાસ હાથ ધરાઈ હતી. ઓસ્કાર હોટલના પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં એક છોટા હાથી ટેમ્પામાં મોટી ટાંકીમાં તથા વાડીમાં મૂકેલા બેરલોમાં સંગ્રહ કરવામાં આવેલો 2800 લીટર શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો. સાથે જ વાહનોમાં ઇંધણ તરીકે ભરી આપવા મૂકેલો ફ્યુલ પંપ પણ મળી આવ્યો હતો.
એલ.સી.બી. એ રૂ. 2.33 લાખનું બાયો ડીઝલ, રૂ. 35 હજારનું ડિઝલ ડિસ્પેનશર મશીન, રૂ. 10 હજારની ઈલેક્ટ્રીક મોટર તથા રૂ. 47 હજારના 3 મોબાઈલ તથા છોટા હાથી ટેમ્પો મળી કુલ રૂપિયા 4.25 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી ગેરકાયદેસર વેપલો ધરાવતા નરેશ મનસુખભાઇ કાથોટીયા અને વિપુલ ભાણજીભાઇ ખાનપરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિડિઓ જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર