નર્મદા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદથી સંર્જાયેલી પરિસ્થિતને અનૂલક્ષીને જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર એક્શન મોડમાં
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુએ જિલ્લાના વિસ્તારોની મુલાકાત લઇ સ્થળ સ્થિતિના નિરીક્ષણ સાથે જરૂરી કામગીરી માટે વિભાગીય અધિકારીઓને આપ્યા દિશા નિર્દેશ
રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સહિત જિલ્લાના તમામ તાલુકાઓ સાથે જરૂરી સંકલન અને પરિસ્થિત ઉપર દેખરેખ રાખી રહેલા લાયઝન અધિકારીઓ
જિલ્લામાં SDRF ની એક ટીમ ઉપરાંત આજે વધુ એક SDRF અને એક NDRF ની ટીમો ફાળવાઇ : SDRF ની એક ટીમ દેડીયાપાડા ખાતે અને SDRF ની અને NDRF ની એકેક ટીમની સેવાઓ નાંદોદ ખાતે ઉપલબ્ધ
બપોરના ૦૪:૦૦ વાગ્યા સુધીમાં રાજપીપલા શહેરમાં-૧૦૫૦, નાંદોદ તાલુકામાં-૮૪૫, દેડીયાપાડા તાલુકામાં-૧૧૦૦, સાગબારા તાલુકામાં-૨૬૭, તિલકવાડા તાલુકામાં-૬૩૫ અને ગરૂડેશ્વર તાલુકામાં-૩૫૦ સહિત અંદાજે ૪૨૦૦ જેટલી વ્યક્તિઓનું નજીકના આશ્રય સ્થાન ખાતે સલામત સ્થળાંતર : જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તમામ લોકોને ફુડ પેકેટ અને પીવાના પાણી વગેરે જેવી વ્યવસ્થાઓ પૂરી પડાઇ : હજી પણ સ્થળાંતરની કામગીરી જારી
નર્મદા જિલ્લામાં થઇ રહેલા ભારેથી અતિ ભારે વરસાદને લીધે રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમા સંભવિત પરિસ્થિતિ પર સતત દેખરેખ અને તેના મોનીટરીંગ સાથે જરૂર જણાય ત્યાં જાન-માલના નુકશાનને અટકાવવા જે તે વિસ્તારના અગાઉથી ચેતવણીના ભાગરૂપે સમયસર અને સલામત રીતે લોકોનું સ્થાળાંતર કરાવવા તેમજ વૃક્ષો પડી જવા કે ઝાડી-ઝાંખરા વગેરેના માર્ગો ઉપરના અવરોધો દૂર કરી સત્વરે વાહન વ્યવહારની અવરજવર માટે જે તે રસ્તાઓ પૂર્વવત બને તે માટે JCB મશીન સહિતની અન્ય સાધન સામગ્રીથી તાત્કાલિક અવરોધો દૂર કરવા વગેરે જેવી કામગીરી પર જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લાના બંને પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના લાયઝન અધિકારીશ્રીઓ, જે તે વિસ્તારના મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ અને સંબંધિત વિભાગીય અધિકારીશ્રીઓ સાથે સતત સંપર્કમાં રહીને શ્રેત્રીય કામગીરી ઉપર ચાંપતી નજર રાખીને ઉક્ત કામગીરીમાં જરૂરી માર્ગદર્શન આપી રહ્યાં છે.
જિલ્લામાં બોટ જેકેટ લાઇફ સેવિંગના સાધનોથી સજ્જ જિલ્લામાં SDRF ની એક ટીમ ઉપરાંત આજે વધુ એક SDRF અને એક NDRF ની ટીમો ફાળવાઇ છે જે પૈકી SDRF ની એક ટીમ દેડીયાપાડા ખાતે તેમજ SDRF ની અને NDRF ની એકેક ટીમની સેવાઓ નાંદોદ ખાતે જરૂરી રાહત બચાવની કામગીરી માટે ઉપલબ્ધ કરાઇ છે.
નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહ પણ જિલ્લાકક્ષાએથી સંબંધિત તાલુકાઓમા કામગીરી કરી રહેલા લાઇઝન અધિકારીશ્રીઓ સહિત કરજણ, ચોપડવાવ, કાકડીંઆંબા વગેરે જેવા ડેમના ઇજનેરો સાથે પણ સતત સંકલન અને મોનીટરીંગ કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લાકક્ષાએ કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ખાતે આજે સવારથી જ નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ કંટ્રોલરૂમમાંથી જિલ્લાના તાલુકાઓનો સતત મોનીટરીંગ કરીને અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
આજે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ પણ દિવસ દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઇ જે તે જગ્યાએ સ્થળ સ્થિતિનું જાતે નિરીક્ષણ કરી યોગ્ય કાર્યવાહી માટે સંબંધિતોને સૂચના આપી હતી. તેવી જ રીતે રાજપીપલા પ્રાંત અધિકારીશ્રી પ્રિતેશ પટેલ અને દેડીયાપાડા પ્રાંત અધિકારી ઉકાણી પણ તેમના કાર્યક્ષેત્રના વિસ્તારમાં જે તે સ્થળની મૂલાકાત લઇ વિભાગીય અધિકારીશ્રીઓને જરૂરી કાર્યવાહી માટે સૂચના સાથે મોનીટરીંગ કર્યું હતું.
પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ આજે બપોરના ૦૪:૦૦ વાગ્યા સુધીમાં રાજપીપલા શહેરમાં-૧૦૫૦, નાંદોદ તાલુકામાં-૮૪૫, દેડીયાપાડા તાલુકામાં-૧૧૦૦, સાગબારા તાલુકામાં-૨૬૭, તિલકવાડા તાલુકામાં-૬૩૫ અને ગરૂડેશ્વર તાલુકામાં-૩૫૦ સહિત અંદાજે -૪૨૦૦ જેટલી વ્યક્તિઓનું નજીકના આશ્રય સ્થાન ખાતે સલામત સ્થળાંતર કરાયું હતું. આ તમામ લોકો માટે જિલ્લા વહિવટીતંત્ર તરફથી ફુડ પેકેટ અને પીવાના પાણી વગેરે જેવી વ્યવસ્થાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. હજી પણ સ્થળાંતરની કામગીરી જારી રહેલ છે. આમ ઉક્ત સ્થળાંતરથી લોકોના જાન-માલને થતું નુકશાન અટકાવી શકાયું છે.
આજે પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ જિલ્લામાં એક કાચા મકાનને નુકશાન થયેલ છે, ૦૮ જેટલા ઝાડ પડી ગયેલ છે. તેમજ મુવી-દેડીયાપાડા સ્ટેટ હાઇવે પર નાળા તૂટી જવાના કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જે બે દિવસ બાદ શરૂ કરાશે તથા રાજપીપલા દેડીયાપાડા તરફ જતા વાહનોને વાયા નેત્રંગ થઇને જવા માટેનું ડાયવર્ઝન અપાયેલ છે. નદી, નાળા કે કોઝવે ઉપર વરસાદી ઓવર ટેપિંગ થતું હોય તેવા સ્થળોએ લોકોની સલામતી માટે જરૂરી પોલીસ બંદોબસ મૂકીને અવર જવર બંધ કરાવેલ છે.