Satya Tv News

દિલ્હીની AAP સરકારના મંત્રી રાજેન્દ્ર પાલે શુક્રવારે ધર્મ પરિવર્તન અંગેના વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભાજપ દ્વારા તેમના આ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દે ગઈકાલે રાજકોટમાં મંત્રી અરવિંદ રૈયાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ ઘટનાને નિંદનીય ગણાવી હતી. ત્યારે આજે અમદાવાદ સુરત અને રાજકોટમાં ચૂંટણી પહેલાં પોસ્ટર વોર શરુ થયો હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે.’હું ઈશ્વરને માનીશ નહીં’ તેવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેના બેનર લગાવવામાં આવ્યા છે. જો કે, આ બેનર કોણે લગાવ્યા એ અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી પણ ચૂંટણી સમયે આ પ્રકારના બેનર લાગતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

અમદાવાદ સુરત અને રાજકોટમાં લાગેલા બેનરમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુસ્લિમ પોશાક અને ટોપી સાથેની તસવીર બેનરમાં લગાવવામાં આવી છે. જેમાં ‘હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ઈશ્વર માનીશ નહિ, આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર’ તેવું બેનરમાં લખવામાં આવ્યું છે. આમ, ગુજરાતમાં એકતરફ આપના જોરશોરના ચૂંટણી પ્રચાર વચ્ચે બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે.

નોંધનીય છે કે ગઈકાલે મંત્રી અરવિંદ રૈયાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી AAP પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજેન્દ્ર પાલે જાહેર મંચ પરથી ધર્મ પરિવર્તનની વાત કરી છે. આદિકાળથી આપણે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા છીએ. પછી ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કૃષ્ણ, રામ સાથે જોડાયેલા છીએ. ક્યાકને ક્યાક લોકોને ફ્રી આપવાનું, ધર્મ પરિવર્તન કરાવાનું બંધ કરો. આ દેશના લોકોને કંઈક જુદું બતાવીને શું સાબિત કરવા માગો છો. ભગવાન રામની કથા હોય કે ભગવાન કૃષ્ણની ભાગવત હોય તેનો વિરોધ કરે છે.આવા નિવેદન બદલ તેમની સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ.

આ મુદ્દે ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન અને ભાજપના નેતા ધનસુખ ભંડેરીએ પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ બેનર હિંદુઓએ લગાવ્યા છે. કારણ કે હિંદુઓની લાગણી દુભાણી છે. કેજરીવાલ અને તેના મંત્રીએ માફી મંગાવી જોઈએ. આમ તો બધું જ કેજરીવાલની મૂક સંમતિ જ થઈ રહ્યું છે. તેણે આ વિવાદાસ્પદ નિવેદન આપનાર નેતાને બરખાસ્ત કરીને હિંદુઓની માફી મંગાવી જોઈએ.

error: