અંકલેશ્વર
અંકલેશ્વર ખાતે ઓએનજીસી ઓવરબ્રિજ માર્ગ બંધ કરવામાં આવશે. જેના કારણે 20 એપ્રિલથી 4 મે સુધી 15 દિવસ માટે બ્રિજ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં સ્પાન બ્રિજને તોડી ટ્વિન બોક્સની કામગીરી હાથ ધરાનાર છે. જેથી વાહન ચાલકો માટે જૂના નેશનલ હાઇવે નંબર 8 પરના વાહનો શહેર ગડખોલ ટી બ્રિજથી પીરામણ રોડ અને હાંસોટ તરફના માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંગળવારે સાંજે જુના નેશનલ હાઇવે નંબર 8 ઉપર આવેલા અંકલેશ્વર ઓએનજીસી બ્રિજનું સમારકામ માટે બંધ કરવા જાહેરનામું જારી કરાયું છે. અંકલેશ્વર શહેરને નેશનલ હાઇવે નંબર 48, રાજપીપળા,ઝગડીયા તેમજ જીઆઇડીસી સાથે જોડતો આ વર્ષો જૂનો સ્પાન બ્રિજ જર્જરિત બન્યો હતો. જે બ્રીજને તોડી ટ્વિન બોક્સ સેલની કામગીરી હાથ ધરવા 20 એપ્રિલથી 4 મે 15 દિવસ માટે બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
બ્રિજ સુરત, વાલિયા, નેત્રંગ અને અંકલેશ્વર શહેરના વાહન ચાલકો માટે ખૂબ જ ઉપયોગી છે. ઓએનજીસી બ્રિજનું સમારકામ માટે 15 દિવસ બંધ કરવાના જાહેરનામાને લઈ ભરૂચ, સુરત,વાલિયા, નેત્રંગ તરફથી આવતા વાહનચાલકોને હવે ડાયવર્ટ રૂટનો વિકલ્પ અપનાવવો પડશે. બ્રિજ બંધ રહેતા ડાયવર્ઝન એન.એચ. 48 સર્વિસ રોડ પરથી હવા મહેલ પીરામણ ગામ ચૌટા બજાર થઈ ગડખોલ ફ્લાયઓવર બંને તરફ આપવામાં આવ્યું છે. હયાત જુનો સ્પાન બ્રિજ તોડી પાડી તેના સ્થાને ટ્વિન બોડીની કામગીરીથી નવો બ્રિજ બનાવવામાં આવશે.