Satya Tv News

ગુજરાત રાજયમાં ભર ઉનાળામાં મોસમનો મિજાજ બદલાયો છે ત્યારે કેટલાય સ્થળોએ ઝડપી પવનો ફૂંકાઇ રહયાં છે. ભરૂચ જિલ્લામાં ભારે પવનના કારણે વીજવાયર તુટી જવાથી એક શ્રમજીવીનું મોત થયું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર માંડવા ગામની સીમમાં હિલ્ટન હોટલ આવેલ છે.

હોટલની બાજુ પાટણ વિસ્તારના મજૂરો ખુલ્લી જગ્યામાં પડાવ નાખી વસવાટ કરી રહયાં છે. મંગળવારે સાંજે અંકલેશ્વર વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો જેમાં પડાવની નજીકથી પસાર થતો વીજ વાયર તુટી પડયો હતો.આ વાયર તુટીને હોટલ પર પાણીની બોટલ લેવા જઇ રહેલાં 21 વર્ષીય યુવક ફુલવાડી પર પડતાં તે વાયર સાથે ચોંટી ગયો હતો. ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તબીબોએ મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર વિસ્તારમાં ગત રોજ વાવાઝોડું ફૂંકાયું હતું.જેના કારણે ખુલ્લામાં પડાવ નાખીને રહેતાં લોકોની હાલત દયનીય બની હતી. માંડવા ગામની સીમમાં હોટલ પાસે રહેતો શ્રમિક પાણી લેવા માટે જઇ રહયો હતો ત્યારે માર્ગમાં તેને કાળનો ભેટો થઇ ગયો હતો.

ઘટના બાદ મૃતકના પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે. હાલમાં વાવાઝોડું ફૂંકાઇ રહયું છે, ત્યારે લોકોને વીજવાયરોથી દુર રહેવા માટે પોલીસ વિભાગે અપીલ કરી છે. ઉપરાંત વરસાદી માહોલમાં સાવચેતી અને સલામતીના પગલાં ભરવા માટે તાકીદ કરી છે.

હોટલ પર પાણીની બોટલ લેવા જઇ રહેલાં નરેશ પર વીજવાયર પડતાં તેને વીજકરંટ લાગ્યો હતો. તે વાયર સાથે ચોંટી જતાં તેમને બચાવવા દોડેલાં બાપુશાને પણ કરંટ લાગ્યો હતો. સ્થાનિકોએ બાપુશાની છાતી પર પંપિંગ કરતાં તેનામાં જીવ આવી ગયો હતો. આમ સ્થાનિકોની આવડતના કારણે એક વ્યકતિનો જીવ બચ્યો હતો.

error: