ગુજરાત, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ છલોછલ ભરાતા ડેમમાંથી તબક્કાવાર 19 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા નર્મદા નદી ગાંડીતૂર બની હતી, જેના કારણે ચાણોદ, ભરૂચ અને અંકલેશ્વરમાં પુરની સ્થિતિ સર્જાઇ હતી. અંકલેશ્વર શહેરમાં નર્મદાના ધસમસતા પાણીએ વિનાશ વેર્યો હતો. શહેરમાં 10 ફૂટ કરતાં વધારે પાણી ભરાતાં લોકો ઘરમાં કેદ થઇ ગયા હતાં. તો બીજી તરફ ભારે વરસાદના પગલે કેટલીક ટ્રેનોના પૈડા થંભી ગયા હતા. રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ જતા દિલ્હી-મુંબઈ-અમદાવાદ ટ્રેન રૂટને 12 કલાક માટે બંધ કરી દેવાયો હતો.
તારીખ 18 સપ્ટેમ્બરના રોજ ટ્રેન નંબર 20960 વડનગર-વલસાડ એક્સપ્રેસ, ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી હતી. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે 502 નંબરના પુલ પર પાણી ખતરાને લઈ રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. જેમાં કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી, જ્યારે કેટલીક ટ્રેનો રિસિડ્યુલ કરવામાં આવી હતી. તેમજ ધીમેથી અને સાવધાનીથી ચલાવવામાં આવી હતી.
વરસાદના કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવતા મુંબઇ-ભરૂચના મુસાફરો અટવાયા હતા. એટલું જ નહીં ઘણા રેલવે સ્ટેશન પર ટ્રેનો 11 કલાક સુધી મોડી પડી હતી. ટ્રેનોમાં ફસાયેલા પેસેન્જરોને રેલવે તરફથી ભોજન અને પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. આમ, રેલવે વ્યવહાર ખોરવાતા 50 હજારથી વધારે મુસાફરો પરેશાન થયા હતા.