Satya Tv News

  • નર્મદા નદીમાં આવતા પુરના કાયમી ઉકેલ માટે ગુજરાત સરકાર આયોજન ઘડશે
  • ભરૂચ જિલ્લા ભાજપ સંકલન સમિતિએ પુરગ્રસ્તો માટે પૂરતું અને સક્ષમ રાહત પેકેજ આપવા કરી મુખ્યમંત્રીને રજુઆત
  • ખેડૂત, વેપારી, કાચા-પાકા મકાનધારક તમામને ખરેખર નુકશાની મુજબ સહાય જારી કરવા પર મુખ્યમંત્રીએ પણ આપી સહમતી
  • પૂરગ્રસ્ત વેપારીઓ અને ખેડૂતોને ફરી પગભર થવા વગર વ્યાજની લોન આપવા પણ અનુરોધ
  • કાચા મકાનધારકોને યોજના હેઠળ પાકા મકાન બનાવી આપવા પણ પ્રસ્તાવ

નર્મદા નદીમાં પુરને હવે ભૂતકાળ બનાવી કાયમી નિરાકરણ સાથે ભરૂચ અને નર્મદા જિલ્લાના પૂરપીડિત ખેડૂતો, વેપારીઓ અને પ્રજાજનોને ખરેખર નુકશાની મુજબનું રાહત પેકેજ જારી કરવા ભરૂચ જિલ્લા ભાજપ સંકલન સમિતિએ મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજુઆત કરી છે.

નર્મદા નદીમાં ઘોડાપુર બાદ ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે ખાનાખરાબી સર્જાઈ છે. રાજ્ય સરકારે પુરપીડિતો માટે તાત્કાલિક અસરથી આંશિક રાહત પેકેજ જારી કરી દીધું હતું.

જોકે પુરઅસરગ્રસ્તોની વેદના અને નુક્શાનીને સમજી આ રાહત પેકેજમાં ફેરવિચારણા કરવી જરૂરી બન્યું છે.

ભરૂચ જિલ્લા ભાજપ સંકલન સમિતિએ પુરગ્રસ્ત પ્રજાને ફરી બેઠી કરવા રાહત પેકેજમાં વધારો કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂ મળી રજુઆત કરી છે.

જિલ્લા ભાજપ સંકલન સમિતિમાં જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ, સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી, ઝઘડિયા ધારાસભ્ય રીતેશ વસાવા, નાંદોદ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા મહામંત્રી નિરલ પટેલે મુખ્યમંત્રીને વિગતવાર પુરબાદની સ્થિતિ અને સહાય અંગે જણાવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં ડિઝાસ્ટરના સાધનો ફાળવવા, ખેતીમાં નુકશાની વળતરમાં વધારો. પાકા મકાન ધારકોને ઘરવખરી, કેશડોલ્સ, કાચા મકાનધારકોને કોઈપણ આવાસ યોજના હેઠળ પાકા મકાન બનાવી આપવા.

સહાય ઉપરાંત દુકાનદારો-વેપારીઓને નુકશાની પેકેજ. વધુમાં ખેડૂતો અને દુકાનદારોને વગર વ્યાજની લોન. નર્મદા નદીની બંને તરફ પ્રોટેક્શન વોલ પાળા બનાવવા. અને સૌથી અગત્ય ભવિષ્યમાં નર્મદા નદીમાં આવી રેલને રોકવા કાયમી આયોજન કરી નિરાકરણ લાવવા જિલ્લા ભાજપ સંકલન સમિતિએ રજુઆત કરી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ રજૂઆતો સાંભળી પુરપીડિતો માટે શક્ય એટલી અને તેઓ ફરી પગભર થઈ નુક્શાનીમાંથી બહાર આવી શકે તે મુજબનું રાહત પેકેજ આપવા હૈયાધારણા આપી હતી.

વધુમાં નર્મદામાં પુર નિવારણના કાયમી ઉકેલ માટે આગામી સમયમાં રાજ્યના તમામ ઉચ્ચ અધિકારીઓ તેમજ નિષ્ણાંતોની બેઠક બોલાવી આયોજન ઘડી કાઢવા પણ મુખ્યમંત્રીએ જિલ્લા ભાજપ સંકલન સમિતિને ખાતરી આપી છે.

error: