સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય ધર્મવીર કલર કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. દરરોજની જેમ તેઓ આજે પણ કલરકામ કરવા માટે ગયા હતા. વેસુ વિસ્તારમાં એક સાઈટ પર કલર કામ કરતી વખતે અચાનક ધર્મવીરને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ સાથે કામ કરતા અન્ય કામદારો તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા.હોસ્પિટલ ખાતે હાજર તબીબોએ ધર્મવીરને મૃત જાહેર કર્યા હતા. તો ડોક્ટરની પ્રાથમિક તપાસમાં યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. 35 વર્ષીય ધર્મવીરનું અચાનક હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
રાજકોટમાં શહેરના સંતકબીર રોડ પર રહેતા 60 વર્ષીય વૃદ્ધને ગઈકાલે રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેઓેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં તેઓેને સારવાર મળે તે પહેલા જ તેઓએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.
ડૉ.તેજસ પટેલએ જણાવ્યું હતું કે હાર્ટઅટેકના કેસમાં કોરોના આવ્યા પહેલાથી વધારો નોંધાયેલો છે તેમજ કોરોના બાદ હાર્ટઅટેકના કેસમાં લોકોનું ધ્યાન વધુ ખેંચાયું છે અને લોકોના મગજમાં કોરોનાની ખોટી ગ્રંથી બંધાઈ છે તેમજ વેક્સિનના કારણે હાર્ટઅટેક આવતો નથી. વધુમાં કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી યુવાનોમાં હાર્ટઅટેકના કેસ જોવા મળે છે અને પહેલા 55થી 60 વર્ષે હાર્ટઅટેક આવતા હતા તેમજ સમય જતાં 50 વર્ષેના લોકોને હાર્ટઅટેક આવવા લાગ્યા છે. અત્યારે 30થી 35 વર્ષના લોકોને હાર્ટઅટેક આવે છે અને યુવાનોમાં સ્ટ્રેસ લેવલ 3થી 4 ગણુ વધી ગયું છે. ખોરાકની પેટર્ન સારી ન હોવાથી હાર્ટઅટેકનું પ્રમાણ વધ્યુ છે તેમજ લોકોએ કસમયે ખોરાક લેવો ન જોઈએ. 50થી 70% કેસમાં હાર્ટઅટેકનો ખ્યાલ અગાઉથી આવી જાય છે. 30% લોકોને અગાઉથી હાર્ટઅટેક આવવાનો ખ્યાલ આવતો નથી.