ગાંધીનગરના રાંધેજામાં ડિસેમ્બર-2023માં પરિણીતાના શંકાસ્પદ મોત પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. મોટા ભાઈની ગેરહાજરીમાં દિયર-ભાભી પ્રણયના ફાગ ખેલતાં હતાં. જોકે, દિયરે અવૈધ પ્રેમસંબંધોનો અંત લાવવાનું મન બનાવી લેતાં ભાભીએ બળાત્કારના કેસમાં ફસાવી સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપી હતી. જેના પગલે દિયરે ભાભીનું ગળું દબાવીને હત્યા કરી દીધી હોવાનું બહાર આવતા પેથાપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના સેક્ટર-24માં દાંત બનાવવાની લેબોરેટરીમાં નોકરી કરતા મૂળ બિહારના અખિલેશસિંગ અને તેનો નાનો ભાઈ મિથિલેશ રાંધેજા વિરાટ ટેનામેન્ટમાં ભાડાના મકાનમાં રહેતા હતા. અખિલેશના લગ્ન ડિસેમ્બર-2020 માં બિહારની 20 વર્ષીય પૂજન ચૌધરી સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. બાદમાં અખિલેશ તેની પત્ની પૂજન અને મિથિલેશ ઉપરોક્ત મકાનમાં રહેતાં હતાં. મિથિલેશ પણ તેના ભાઈની સાથે દાંતની લેબમાં નોકરી કરતો હતો.
આ દરમિયાન ડિસેમ્બર-2023માં પૂજનનું શંકાસ્પદ મોત થતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી. જે તપાસમાં પૂજનનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું સામે આવતા પેથાપુર પોલીસ મથકના પીઆઈ મુકેશ દેસાઈએ બંને ભાઈઓની પૂછતાછ હાથ ધરી હતી. જેમાં મિથિલેશ ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરી હતી કે, ભાભી પૂજન સાથે પ્રેમસંબંધો હોવાથી ભાઈ અખિલેશની ગેરહાજરીમાં પ્રણયના ફાગ ખેલતા રહેતાં હતાં. ગત. 22 ડિસેમ્બર 2023ની સાંજે દિયર ભાભી એકલાં ઘરે હતાં અને ભાભીએ દિયર મિથિલેશને પોતાની પાસે બોલાવ્યો હતો. પરંતુ મિથિલેશે અવૈધ પ્રેમસંબંધોનો અંત લાવવા ભાભી પૂજનને કહ્યું હતું.
સાંભળીને પૂજને ધમકી આપેલી કે, જો તું મારી સાથે સબંધ નહી રાખે તો હું આપણા બન્નેની વાત તારા ભાઈને તથા તારાં સગાંસબંધીને કહી દઈ બળાત્કારનો કેસ કરીશ. જેના પગલે મિથિલેશ પૂજનને નીચે પાડી દઈ તેની ઉપર બેસી ગયેલ અને ગળું દબાવી હત્યા કરી દીધી હતી. બાદમાં તેની લાશને બેડ ઉપર મૂકી ચાદર ઢાંકી દીધી હતી. અને બીજા રૂમમા સુઈ જવાનું નાટક કર્યું હતું.
સાત મહિના બાદ દિયર સામે હત્યાનો ગુનો દાખલ.બાદમાં રાત્રીના દસેક વાગે અખિલેશ ઘરે પહોંચ્યો હતો. જેણે ઘણી બૂમો પાડ્યા પછી મિથિલેશ દરવાજો ખોલી રૂમમાં જતો રહ્યો હતો. આ તરફ અખિલેશ તેના રૂમમાં ગયો હતો અને પૂજનને ઉઠાડવા લાગ્યો હતો અને બૂમો પાડી મિથિલેશને બોલાવ્યો હતો. આથી કશું જાણતો નહીં હોવાનો ડોળ કરી મિથિલેશે પૂછતાં અખિલેશે કહેલું કે, પૂજન ઊઠતી ન હોઇ મને લાગેલું કે તેને ખેંચ આવેલ છે. જેથી મેં તેનું નાક દબાવતા તેની નથણી પણ સાથે દબાઇ જતાં તેના નાકમાંથી લોહી નીકળેલ છે. એટલે મિથિલેશે પૂજનના મોઢે પાણી નાખીને લોહી ધોઈ નાખ્યું હતું. બાદમાં 108 એમ્બ્યુલન્સ થકી પૂજનને સિવિલ લઈ ગયાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે પૂજનને મૃત જાહેર કરી હતી.