ડભોઇ તાલુકાના બાણજ ગામની સીમમા ઝાડીઓમાંથી મળેલા નવજાત બાળકને તરછોડનાર સગીર માતા સામે પોલીસે ગુનો દાખલ કર્યા બાદ સગીરા પર છેલ્લાં દોઢ વર્ષ દરમિયાન બે શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું બહાર આવ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે બાણજ ગામમાં રહેતા રાજેન્દ્ર નરપત બારોટ સવારે ખેતરમાં જતા હતા ત્યારે વેમારરોડ પર કેનાલની બાજુમાં ઝાડીઓમાંથી નાના બાળકના રડવાનો અવાજ આવતા તેઓ તે દિશામાં ગયા ત્યારે ઝાડીઓમાં એક નવજાત બાળક મળ્યું હતું. બાળકને એમ્બ્યૂલન્સ દ્વારા મોટા ફોફળીયા ખાતેની હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતાં. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન આ પંથકમાં રહેતી આશરે 17 વર્ષની એક સગીરાની ઝાડીઓમાં સુવાવડ થતા તેણે બાળકને જન્મ આપ્યો હતો અને ડરના કારણે નવજાત બાળકને મૂકી તે ઘેર આવી ગઇ હતી તેમ જાણવા મળ્યું હતું. બાદમાં માતાને પણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસે હોસ્પિટલમાં પહોંચી સગીરાની પોતે ગર્ભવતી કેવી રીતે થઇ અને બાળકનો પિતા કોણ છે તે અંગે પ્રાથમિક પૂછપરછ કરતાં સગીરાએ ત્રણ યુવકોના નામ જણાવતા પોલીસ પણ અચંબામાં મૂકાઇ ગઇ હતી. દરમિયાન સગીરાને બાણજ ગામમાં રહેતા વિશાલ વિનોદ વસાવા અને કરણ કમલેશ વસાવાએ અવારનવાર પોતાની હવસનો શિકાર બનાવી હોવાની વિગતો બહાર આવી હતી. આ અંગે પોલીસે બંને યુવાનો સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે