અતિવૃષ્ટિનો માર વેઠી રહેલા ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કૃષિ વિભાગે કરેલા ઠરાવ અનુસાર, ખેડૂતને કોઈ એક રાહત પેકેજનો જ લાભ મળશે. એટલે કે જુલાઈ મહિનામાં જાહેર થયેલા પેકેજનો લાભ લેનાર ખેડૂતને નવા પેકેજનો લાભ નહીં મળે. એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરના રાહત પેકેજનો લાભ ખેડૂતોને નહીં મળી શકે. એક દિવસ અગાઉ જ રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી હતી.
ગુરુવારે જ અતિવૃષ્ટિને લઈને ગુજરાત સરકારે 1 હજાર કરોડનાં રાહત પેકેજની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠકમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભારે વરસાદના કારણે પાકને થયેલા નુકસાન માટે ખેડૂતો માટે રૂપિયા 1419.62 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. ઓગષ્ટ-2024માં થયેલ ભારે વરસાદના કારણે પાક નુકસાનીને લઈ સરકારે કુલ રૂ. 1419.62 કરોડની સહાય ખેડૂતોને ચુકવવાનો નિર્ણય કર્યો હતો. જેમાં SDRF ઉપરાંત રાજય સરકારે પોતાના ભંડોળમાંથી નુકસાનની તીવ્રતા ધ્યાને લઈને રાજય બજેટમાંથી વધારાની રકમ ચૂકવવા નિર્ણય કર્યો હતો.