વડદલા સ્થિત વેલસ્પન કમ્પનીમાં મેનેજમેન્ટે વી.આર.એસ. સ્કીમ મુકતા ૨૫૦ થી વધુ કર્મચારીઓએ સ્કીમને ઠુકરાવી આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ઘોષણા કરી છે.કામદારોએ ૧૫ નવેમ્બરના રોજ રહિયાદ ચોકડી ખાતે રસ્તારોકો આંદોલનનું એલાન કરતા વેલસ્પન કંપનીનો વિવાદ વધુ વણસે તેવા એંધાણ ઉભા થયા છે.
વેલસ્પન કંપનીમાં કોરોના મહામારી દરમ્યાન જ ૪૧૬ જેટલા કામદારોને વર્ક ફ્રોમ હોમનો આદેશ આપ્યો હતો.જોકે કામદારોને કઈક અજુગતું થવાની ગંધ આવતા તેમને મિટિંગો નો દોર શરૂ કર્યો હતો.દરમ્યાન કંપની મેનેજમેન્ટે ૪૧૬ જેટલા કર્મચારીઓની સાગમટે બદલી કરવાના હુકમ કરતા કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.જેણે આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું હતુ.છેલ્લા ત્રણ મહિનાથી કામદારોએ વેલસ્પનના ગેટ સામે જ આંદોલન ચાલુ રાખ્યુ હતુ.સાથે વિવિધસ્તરોએ ન્યાય માટે રજૂઆતો પણ કરી હતી.
વેલસ્પનના કામદારો યોગ્ય વળતર સાથે વી.આર.એસ.સ્કીમમાં જોડાવા તૈયાર હતા.પરંતુ કંપની મેનેજમેન્ટે નજીવા વળતર સાથે વી.આર.એસ. સ્કીમ મુકી હતી. જેમાં માત્ર ૧૧૮ જેટલા કામદારો જોડાયા હતા. જ્યારે ૨૫૦ થી વધુ કામદારોએ સ્કીમને ઠુકરાવી યોગ્ય વળતરની માંગને બુલંદ બનાવી છે.૨૫૦ જેટલા કામદારો હવે લડી લેવાના મિજાજ સાથે મેદાનમાં આવ્યા છે.કામદારોએ ઉચ્ચ અધિકારીઓ સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારને લેખિતમાં રજુઆત કરી ન્યાયની માંગ ઉઠાવી છે.જેમાં આગામી ૧૫ નવેમ્બરના રોજ સવારે રહિયાદ ચોકડી ખાતે રસ્તારોકો આંદોલનની ઘોષણા કરવા સાથે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવો હુંકાર પણ કર્યો છે.
વિડીયો જર્નાલિસ્ટ :ઝફર ગડીમલ, સત્યા ટીવી,વાગરા