૫૯ દેશોમાં ઓમિક્રોનના કુલ ૨૯૩૬ કેસ બ્રિટનમાં સૌથી વધુ ૮૧૭
દેશની અડધી વસ્તી એટલે કે ૫૦.૨૧ કરોડ લોકોને કોરોના વેક્સિનના બંને ડોઝ આપી દેવાયા ૮૦.૯૮ કરોડ લોકોને એક ડોઝ
મહારાષ્ટ્રમાં એક જ દિવસમા ઓમિક્રોનના સાત કેસો સામે આવતા દેશમાં ઓમિક્રોનના અત્યાર સુધીના કુલ કેસો વધીને ૩૨ થઇ ગયા છે. આ ૩૨ કેસોમાં ગુજરાતના બે કેશોનો પણ સામેલ છે. વિશ્વના ૫૯ દેશોમાં અત્યાર સુધીમાં કોરોનાના એમિક્રોન વેરિઅન્ટના ૨૯૩૬ કેસ સપાટી પર આવ્યા છે જે પૈકી બ્રિટનમાં સૌથી વધુ ૮૧૭ કેસો સામે આવ્યા છે.ભારતમા ઓમિક્રોનથી સંક્રમિત થયેલા દર્દીઓમાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. સરકારે જણાવ્યું છે કે ઓમિક્રોનથી અત્યાર સુધીમાં હેલ્થકેર સિસ્ટમ પર બોજ પડયો નથી પણ સાવચેતી અને તકેદારી રાખવી જરૃરી છે.
પત્રકાર પરિષદમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સચિવ લવ અગ્રવાલે જણાવ્યું છે કે પહેલી ડિસેમ્બરથી અત્યાર સુધીમાં ૯૬ આંતરરાષ્ટ્રીય મુસાફરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે પૈકી ૮૩ યાત્રીઓ જોખમવાળા દેશોમાંથી આવ્યા હતાં.આરોગ્ય મંત્રાલયની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર દેશની અડધી વસ્તી એટલે કે ૫૦.૨૧ કરોડ લોકોને કોરોના વેક્સિનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. જ્યારે ૮૦.૯૮ કરોડ લોકોને વેક્સિનનો એક ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં વેક્સિનના ૧૩૧ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
આ દરમિયાન ભારતમાં આજે કોરોનાના નવા ૮૫૦૩ કેસ નોંધવામાં આવ્યા હતાં. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૪૬,૭૪,૭૪૪ થઇ ગઇ છે. કોરોનાથી વધુ ૬૨૪ લોકોનાં મોત થતાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૪,૭૪,૭૩૫ થઇ ગયો છે.એમિક્રોન વેરિએન્ટના સમગ્ર વિશ્વમાં ૨૯૩૬ કેસ સામે આવ્યા છે. જે પૈકી સૌથી વધુ ૮૧૭ કેસ બ્રિટનમાં નોંધવામાં આવ્યા છે. ડેનમાર્કમાં ૭૯૬ અને દક્ષિણ આફ્રિકામાં ૪૩૧, કેનેડામાં ૭૮, અમેરિકામાં ૭૧, જર્મનીમાં ૬૫, દક્ષિણ કોરિયામાં ૬૦, ઓસ્ટ્રેલિયામાં ૫૨, ઝિમ્બાબ્વેમાં ૫૦, ફ્રાંસમાં ૪૨, પોર્ટુગલમાં ૩૭, નેધરલેન્ડમાં ૩૬, નોર્વેમાં ૩૩, ઘાનામાં ૩૩ અને બેલ્જિયમમાં ૩૦ કેસ સામે આવ્યા છે.